VIDEO: મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો, પિંડદાન પછી કિન્નર અખાડામાં બનશે મહામંડલેશ્વર
Maha Kumbh 2025 : હાલ દેશભરમાં મહાકુંભ-2025નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદેશમાંથી પણ અનેક લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચી સંગમ સ્નાન કરી રહ્યા છે. બોલિવૂડની અનેક સેલિબ્રિટી પણ આ ધાર્મિક ઉત્સાહમાં ભાગ લઈ રહી છે, ત્યારે હવે બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને લઈ મોટા અહેવાલો સામે આવ્યા છે.
મમતા આજે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનશે
મળતા અહેવાલો મુજબ મમતા કુલકર્ણી આજે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનવાના છે. તેઓ આજે સાંજે પિંડદાન કરવાના છે. આ ઉપરાંત સાંજે છ કલાકે કિન્નર અખાડામાં તેમના પટ્ટાભિષેક પણ યોજાવાનો છે. મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મહારાજ, જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અમ્બાનંદ ગિરી સાથે મુલાકાત પણ કરી હતી, જેની તસવીરો પણ સામે આવી છે.
મમતા 25 વર્ષ બાદ ભારત પર આવ્યા
અભિનેત્રી મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ ભારત પર આવ્યા છે. તેઓ ડિસેમ્બર-2024માં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેઓ વર્ષો બાદ ભારત આવતા તમામ લોકો આશ્ચર્ય પામ્યા છે. બીજીતરફ તેમના ચાહકો પણ ખુશ જોવા મળી રહ્યા છે. એવું કહેવાય છે કે, મમતા બોલિવૂડમાં પરત ફરશે અથવા બિગ બૉસ-18માં જોડાવા માટે ભારત આવ્યા છે. જોકે તેમણે તમામ બાબતોને અફવા કહી કહ્યું હતું કે, તેઓ મહાકુંભ-2025માં ભાગ લેવા માટે આવ્યા છે.
આ પણ વાંચો : ચેક બાઉન્સ કેસમાં રામ ગોપાલ વર્માને કેમ થઈ જેલ? જાણો શું છે કાયદો