ગુરુગ્રામ પર થયેલી હિંસા પર ભડક્યા સોનુ સુદ અને ધર્મેન્દ્ર કહ્યું; 'હવે સહન નથી થતુ'
Image: Twitter
નવી દિલ્હી,તા. 2 ઓગસ્ટ 2023, બુધવાર
હરિયાણામાં હિંસા વધતી જઇ રહી છે. હરિયાણાના નૂંહમાં સોમવારે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસાના કારણે પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે કલમ 144 લાગુ કરી છે. ઈન્ટરનેટ સેવા આજે પણ બંધ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હરિયાણાના નૂહમાં હિંસાની આગ ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ છે. ગુરુગ્રામની એક મસ્જિદમાં મંગળવારે ઈમામની હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં, એક રેસ્ટોરન્ટને પણ આગ લગાડવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, ગુરુગ્રામ સિવાય પલવલમાં પણ હિંસા થઈ છે. પલવલની પરશુરામ કોલોનીમાં ટોળાએ 25થી વધુ ઝૂંપડાઓને આગ ચાંપી દીધી હતી. જોકે,આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
હવે ગુરુગ્રામ હિંસા પર બોલીવૂડના એક્ટર પણ ટ્વીટ કરીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે. બોલીવૂડ એક્ટર ધર્મેન્દ્ર અને સોનુ સૂદે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આ રમખાણોમાં અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ધર્મેન્દ્રએ ટ્વીટ કરીને પોતાનો ફોટો પોસ્ટ કરતા લખ્યુ કે, “ યે કહર ક્યું કિસ લિયે? બક્સ દે માલિક અબ...તો.. બક્સ દે...અબ બર્દાશ્ત નહીં હોતા.”
સોનુ સૂદે લખ્યું- “ ન કિસી કા ઘર જલા, ન કિસી કી દુકાન, બસ જલ રહી થી ઇંસાનિયત, દેખ રહા ઇંસાન” સોનુ સુદનું આ ટ્વીટ પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઇ રહ્યું છે.
જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ધર્મેન્દ્ર રિલીઝ થયેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં શબાના આઝમી સાથેનો તેમનો લિપ-લોક ઘણો વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મમાં ધર્મેન્દ્રની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ સોનુ સૂદની વાત કરીએ તો, ફિલ્મ ફતેહમાં એક્ટર જોવા મળશે.