'હું અને કરીના 11મા માળે હતા અને અચાનક...' હુમલા બાદ સૈફ અલી ખાનનું પહેલું નિવેદન
Saif Ali Khan: 16 જાન્યુઆરીએ એક્ટર સૈફ અલી ખાન સાથે જે ઘટના બની તેને લઈને હજુય લોકો વિચારી રહ્યા છે કે, આખરે તે રાત્રે થયું શું હતું? હવે હુમલા બાદ પહેલીવાર એક્ટર સૈફ અલી ખાનનું નિવેદન સામે આવ્યું છે. મુંબઈની બાન્દ્રા પોલીસે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાને લઈને પૂછપરછ કરી હતી. મુંબઈ પોલીસે આ વિશે સૈફનું નિવેદન નોંધ્યું છે, જેમાં તેણે આખી ઘટના વિશે વિસ્તારમાં જણાવ્યું છે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાનને વારસામાં નહોતો મળ્યો પટૌડી મહેલ, 800 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
સૈફ અલી ખાને જણાવી આખી વાત
પોલીસે સૈફ અલી ખાનનું નિવેદન નોંધ્યું છે. જેમાં સૈફે જણાવ્યું કે, 16 જાન્યુઆરીની રાત્રે હું અને મારી પત્ની કરીના કપૂર 11મા માળે પોતાના બેડરૂમમાં હતા ત્યારે મેં નર્સ એલિયામા ફિલિપની ચીસો સાંભળી. ચીસો સાંભળતાં જ હું જહાંગીરના રૂમ તરફ ભાગ્યો જ્યાં એલિયામા ફિલિપ પણ સૂવે છે. ત્યાં પહોંચતાં જ મેં એક અજાણ્યા શખ્સને જોયો. જહાંગીર પણ ત્યાં રડી રહ્યો હતો. બાદમાં મેં હુમલાખોરને પાછળથી દબોચી લીધો હતો. આ દરમિયાન હુમલાખોરે મારી પીઠ, ગરદન અને અન્ય જગ્યાએ ચાકુથી અનેકવાર હુમલો કર્યો હતો. હુમલાખોરના ચાકુના વારથી હું ઈજાગ્રસ્ત થયો અને જેમ-તેમ હુમલાખોરને ધક્કો મારી પોતાની જાતને છોડાવી.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનારા ઑટો ડ્રાઈવરને મળ્યું ઈનામ, જાણો એક્ટરે શું આપ્યું
પ્લાસ્ટિક સર્જરી દ્વારા કરી સારવાર
નોંધનીય છે કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત સૈફ અલી ખાનને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક્ટરને કરોડરજ્જુ પાસે ચાકુનો 2.5 ઈંચનો ટુકડો ઘુસી ગયો હતો, જેને ડૉક્ટરે સર્જરીથી બહાર કાઢ્યો. લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટર નીતિન ડાંગેએ જણાવ્યું હતું કે, સૈફ અલી ખાનના શરીર પર 4 ઊંડા ઘા હતા, જેની સર્જરી કરવામાં આવી છે. ડૉક્ટર નીના જૈન અને તેમની પ્લાસ્ટિક સર્જનની ટીમે સૈફના ગરદનના ઘાની સારવાર કરી છે. એક્ટરને અમુક અઠવાડિયા સુધી મૂવમેન્ટ ન કરવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે, તેનાથી ઇન્ફેક્શન થવાનું જોખમ છે.