લોહીલુહાણ હોવા છતાં સિંહની જેમ હોસ્પિટલ આવ્યા: ડૉક્ટરે સૈફ અલી ખાનને ગણાવ્યો રિયલ હીરો
Saif Ali Khan Health Update: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગુરૂવારે (16 જાન્યુઆરી) રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. ઘરમાં ચોરી કરવા આવેલા શખસ સાથે તેની ઝપાઝપી થઈ હતી. ત્યારે હુમલાખોરે સૈફ પર ચપ્પુથી 6 વખત વાર કર્યો હતો. એક્ટરને ગળાના ભાગે અને કમરે કરોડરજ્જુના હાડકાં પાસે ઈજા થઈ હતી. સર્જરી બાદ સૈફની તબિયતમાં સુધારો થયો છે અને હાલ તે જોખમથી બહાર છે.
કેવી છે સૈફની તબિયત?
લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર્સે શુક્રવારે સૈફ અલી ખાનનું મેડિકલ બુલેટિન શેર કર્યું હતું. જેમાં ડૉક્ટર્સે જણાવ્યું કે, જ્યારે સૈફ હોસ્પિટલ આવ્યો તો તે લોહીલુહાણ હતો. પરંતુ, તે સાવજની જેમ ચાલી રહ્યો હતો. સૈફ પોતાના 8 વર્ષના દીકરા તૈમુર સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. પોતાની જાતે જ ચાલી રહ્યો હતો. તેણે હીરોની જેમ કામ કર્યું છે, તે રિયલ લાઇફ હીરો છે. હાલ, સૈફની તબિયત હવે બરાબર છે. એક્ટરને આઈસીયુથી સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે, તે થોડો સમય આરામ કરે.
ડૉક્ટર્સે આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, 'હજુ અમે તપાસ કરી રહ્યા છે. તેની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તે પોતાની જાતે જ ચાલે છે અને ખુશ પણ દેખાય છે. જોકે, એક્ટરને થોડો સમય આરામ કરવો પડશે અને બૅક પર થયેલી ઈજાનું વધારે ધ્યાન રાખવું પડશે, નહીંતર ઇન્ફેક્શન થવાનું જોખમ છે. આ સિવાય મૂવમેન્ટ ઓછી કરવાની રહેશે. ભગવાનની કૃપાથી તે ઠીક છે. ઇન્ફેક્શનના ડરથી સૈફને વિઝિટર્સથી દૂર રાખવાનું કહેવામાં આવ્યું છે. જો પ્રોગ્રેસ બરાબર રહી તો અમે 2 થી 3 દિવસમાં ડિસ્ચાર્જ કરી દઇશું.'
આ સિવાય ડૉક્ટર્સે સૈફને એક અઠવાડિયા સુધી બેડ રેસ્ટની સલાહ આપી છે. તેઓ એક્ટરની રિકવરીથી સંતુષ્ટ છે. હાલ, તેને ન્યૂરોલૉજિકલ કોઈ તકલીફ નથી. સૈફ ફક્ત 2 મિમીથી બચી ગયો છે. નહીંતર, કરોડરજ્જૂમાં ચાકુ લાગતતો ઈજા ખૂબ ઊંડી હોત અને જીવનું જોખમ પણ ઊભું થાત.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ
માંડ-માંડ બચ્યો એક્ટર
સૈફની તબિયતમાં સુધારાની જાણકારી બાદ, ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે પ્રકારે એક્ટર પોતાના પરિવારને બચાવવા માટે હુમલાખોરોની સામે પડી ગયો હતો, તેનાથી તમામ લોકો તેને રિયલ લાઇફ હીરો કહી રહ્યા છે. સૈફ અને હુમલાખોર વચ્ચે જેહના રૂમમાં ઝપાઝપી થઈ હતી અને ત્યાં જ એક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો.