5 વર્ષ બાદ આવ્યો કોર્ટનો ચુકાદો, આ બોલીવૂડ એક્ટરને ડ્રિંક અને ડ્રાઇવિંગ કેસમાં 2 મહિનાની જેલ
દલીપ તાહિલે 'બાઝીગર', 'રાજા', 'ઈશ્ક', 'રા.વન', 'કહો ના પ્યાર હૈ' અને 'સોલ્જર' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે
Image: File Photo |
Bollywood Actor Dalip Tahil Jail : બોલીવૂડના એક્ટર દલીપ તાહિલના ડ્રિંક અને ડ્રાઈવિંગ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. 65 વર્ષીય દલીપને ડ્રંક અને ડ્રાઈવિંગ કેસમાં 2 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ડોક્ટરની એક રિપોર્ટ પર કોર્ટે ચુકાદો આપ્યો છે. ડોક્ટરની રિપોર્ટના આધારે મેજિસ્ટ્રેટની અદાલતે દલીપ તાહિલને દોષી ઠેરવ્યો હતો અને તેને બે મહિનાની સજા ફટકારી હતી.
5 વર્ષ બાદ કેસનો ચુકાદો આવ્યો
આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે. તે સમયે દલીપ તાહિલની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. દલીપ પર નશામાં ગાડી ચલાવવા અને કારથી ઓટોને ટક્કર મારવાનો આરોપ હતો. મળેલા અહેવાલો મુજબ ઓટોને ટક્કર માર્યા પછી દલીપ ત્યાંથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં ઓટોમાં મુસાફરી કરી રહેલી યુવતીને ઈજા થઈ હતી. જો કે તે બાદ દલીપને જામીન પર છોડવામાં આવ્યો હતો પરંતુ કેસ ચાલુ હતો. હવે 5 વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો હતો.
દલીપ તાહિલે બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ આપવાની ન પાડી
મળેલા અહેવાલ મુજબ તે સમયે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે દલીપ તાહિલે બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ આપવાની ન પાડી હતી. પોલીસે દુર્ઘટનામાં ઘાયલ ત્રણેય જણાને તબીબી સારવાર અપાવી હતી. ત્યારબાદ દલીપની નશામાં અને બેદરકારીથી ગાડી ચલાવવાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. દલીપ તાહિલે 'બાઝીગર', 'રાજા', 'ઈશ્ક', 'રા.વન', 'કહો ના પ્યાર હૈ' અને 'સોલ્જર' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.