સ્કાય ફોર્સ અને છાવા ફિલ્મોના બૂકિંગના બોગસ આંકડા અપાયા
- કોર્પોરેટ બૂકિંગ તથા ડિસ્કાઉન્ટ દ્વારા તિકડમ
- અક્ષય કુમારની સ્કાયફોર્સની કમાણી દાવા કરતાં અડધી પણ માંડ થઈ છે તેવો આરોપ
મુંબઈ : બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી મોટાં પ્રોડક્શન હાઉસીસ દ્વારા તેમની ફિલ્મને ખોટી રીતે હિટ દર્શાવવા માટે બૂકિંગ તથા કલેક્શનના ખોટા આંકડા જાહેર કરાતા હોવાની ફરિયાદો વધી છે. હવે એક ટ્રેડ એનાલિસ્ટના દાવા અનુસાર અક્ષય કુમારની 'સ્કાય ફોર્સ' અને વિકી કૌશલની આગામી ફિલ્મ 'છાવા'માં પણ બૂકિંગના આંકડાના નામે આવું ધુપ્પલ ચલાવાયું છે.
આરોપ અનુસાર 'સ્કાય ફોર્સ'ની કમાણી નિર્માતાઓ દ્વારા દર્શાવવામાં આવી તેના કરતાં અડધી પણ માંડ થઈ છે.
ટ્રેડ એનાલિસ્ટના દાવા અનુસાર 'સ્કાય ફોર્સ'માં એક ટિકિટનો ભાવ ૩૦૦ રુપિયા દર્શાવાયો હતો પરંતુ તેના પર ૨૫૦ રુપિયાનું ડિસ્કાઉન્ટ અપાયુ ંહતું . ફિલ્મના બૂકિંગના આંકડા ૩૦૦ રુપિયાના ભાવના આધારે અપાયા હતા પરંતુ વાસ્તવમાં થિયેટર સંચાલકોને દર્શવાયા કરતા ંઓછી કમાણી થઈ હતી.
આ ઉપરાંત 'સ્કાય ફોર્સ'માં મોટા પાયે બ્લોક બૂકિંગ પણ કરાયું હતું. ૩૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતાં ઓડિટોરિયમની ૨૬૦ ટિકિટ્સ ખુદ નિર્માતા દ્વારા જ બૂક કરી લેવાઈ હતી. આથી જ્યારે દર્શકો ટિકિટ બૂકિંગ એપ ચેક કરે ત્યારે તેમને માત્ર ૪૦ ટિકિટ જ અવેલેબલ હોવાનું દર્શાવાતું હતું. આ રીતે ફિલ્મ હાઉસફૂલ જઈ રહી હોવાનો પ્રચાર કરાયો હતો પરંતુ વાસ્તવમાં ઓડિટોરિયમની અંદર ગયેલા દર્શકોને ખ્યાલ આવતો હતો કે મોટાભાગની સીટો ખાલી જ રહી છે.
ઉલ્લેખનીય છે કે બ્લોક બૂકિંગ તથા કોર્પોરેટ બૂકિંગના નામે ખોટી રીતે આવક દર્શાવવાની પ્રયુક્તિ અગાઉ કરણ જોહર પણ અજમાવી ચૂક્યો છે. તેણે આલિયા ભટ્ટની 'જિગરા'ને ખોટી રીતે હિટ દર્શાવવા પ્રયાસ કર્યો હતો. તે વખતે ટી સીરિઝના ભૂષણ કુમારની પત્ની અને અભિનેત્રી દિવ્યા ખોસલાએ જ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા 'જિગરા'ની કમાણીની પોલ ઉઘાડી પાડી હતી.