બોબી દેઓલ આગામી ફિલ્મમાં નરભક્ષીની ભૂમિકામાં
- જોકે, બોબીએ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું
- રણબીર કપૂરની 'એનિમલ'માં બોબી નેગેટિવ રોલમાં : ટીઝરથી તેના પાત્ર વિશે અટકળો
મુંબઇ : રણબીર કપૂરની આગામી ફિલ્મ 'એનિમલ'માં બોબી દેઓલ નેગેટિવ રોલમાં છે. આ ફિલ્મમાં તે કદાચ એક નરભક્ષીની ભૂમિકા ભજવી રહ્યો હોવાની અટકળો થઈ રહી છે.
જોકે, બોબીએ પોતે પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટતા કરી નથી. આ વિશે પૂછાતાં તેણે એટલું કહ્યું હતું કે મારો લૂક આ ફિલ્મમાં સાવ જુદો છે અને મેં બહુ ઉત્સાહથી આ ફિલ્મ માટે કામ કર્યું છે.
ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલાં રીલીઝ થયું હતું. ફિલ્મ રસિકોના મતે ટીઝરમાં જ એ વાતનો સંકેત છે કે બોબી દેઓલ કદાચ નરભક્ષીની ભૂમિકામાં છે.
ફિલ્મનું દિગ્દર્શન 'કબીરસિંઘ'ના સર્જક સંદિપ રેડ્ડી વાંગાએ કર્યું છે. સંદિપ રેડ્ડી વાંગા પોતાના પાત્રોને અતિશય આક્રમક બતાવવા માટે જાણીતા છે. તેઓ 'એનિમલ'માં સોફ્ટ હિરો તરીકેની રણબીરની અને તેની સાથે સાથે બોબી દેઓલની ઈમેજ પણ બદલી શકે છે તેમ મનાય છે.
રોમાન્ટિક હિરોથી શરુઆત કરનારા બોબી દેઓલની કેરિયર બાદમાં ખાસ જામી ન હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેણે ઓટીટી સહિત ફિલ્મોમાં નવી ઈનિંગ શરુ કરી છે અને તે નેગેટિવ રોલ્સ પણ ભજવી રહ્યો છે. બોબીના આ નવા અવતારને ચાહકો વધાવી રહ્યા છે.