પાકિસ્તાનમાં રાજ કપૂરનાં જન્મસ્થળે પણ જન્મશતાબ્દિની ઉજવણી
- પેશાવરમાં ચાહકોએ ભેગા થઈને કેક કાપી
- અનેક કાર્યક્રમો યોજાશે, હવેલીનાં રિસ્ટોરેશન માટે ફંડની જાહેરાતને વધાવાઈ
મુંબઇ: ભારતના શો મેન ફિલ્મ સર્જક અને અભિનેતા રાજ કપૂરની જન્મશતાબ્દિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પાકિસ્તાનમાં પણ પેશાવર ખાતે રાજ કપૂરનાં જન્મ સ્થળે ફિલ્મ ચાહકો એકત્ર થયા હતા અને કેક કાપી તેનો જન્મદિવસ મનાવ્યો હતો.
પેશાવરના ઢાકી નાલબંદી ખાતે રાજ કપૂરનો જન્મ થયો હતો. કિસ્સા ખ્વાની બઝાાર ખાતે રાજ કપૂર અને દિલીપ કુમાર બંનેના વડવાઓની હવેલી છે.
આ જગ્યાએ અનેક ફિલ્મ ચાહકો એકઠા થયા હતા. કલ્ચરલ હેરિટેજ ટ્રસ્ટ, ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી ખૈબર પખ્તુનક્વા તથા અન્ય સંગઠનોએ સામૂહિક રીતે શનિવારે રાજનો જન્મદિવસ મનાવ્યો હતો. આ પ્રસંગે જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્ત બીજા અનેક કાર્યક્રમો યોજવાની જાહેરાત કરાઈ હતી. ચાહકોએ રાજ કપૂરની તસવીરોનું પ્રદર્શન યોજ્યું હતું , તેની ફિલ્મના કેટલાંક દ્રશ્યોનું નિદર્શન કર્યું હતું. તથા રાજ કપૂરનાં જાણીતાં ગીતોને લલકાર્યાં હતાં.રાજ કપૂર તથા દિલીપ કુમારના વડવાઓની હવેલીનાં રિસ્ટોરશન માટે વિશ્વ બેન્ક દ્વારા ૧૦ કરોડનું અનુદાન આપવાની જાહેરાતને પણ આ પ્રસંગે વધાવાઈ હતી.