કંગના રણૌત બાદ વધુ એક બોલિવૂડ અભિનેત્રી લડી શકે લોકસભા ચૂંટણી, ધારાસભ્ય પિતાએ આપ્યા સંકેત

નેહાના ધારાસભ્ય પિતા અજીત શર્માએ સંકેત આપ્યો

બિહારના ભાગલપુરથી કોંગ્રેસની ઉમેદવાર બને તેવી અટકળોએ જોર પકડ્યું

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
કંગના રણૌત બાદ વધુ એક બોલિવૂડ અભિનેત્રી લડી શકે લોકસભા ચૂંટણી, ધારાસભ્ય પિતાએ આપ્યા સંકેત 1 - image


Bollywood Actress Neha Sharma : ફિલ્મ અભિનેત્રીઓ એક બાદ એક લોકસભા ચૂંટણીમાં ઝંપલાવી રહી છે. ત્યારે કંગના રણૌત બાદ બોલીવૂડમાં ફ્લોપ ગયેલી અને હાલ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસના કારણે જ વધારે ચર્ચામાં રહેતી અભિનેત્રી નેહા શર્મા કદાચ રાજકારણમાં ઝંપલાવે તેવી સંભાવના છે. નેહાના પિતા અજીત શર્મા બિહારમાં ભાગલપુર બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે આપેલા સંકેત અનુસાર નેહા કદાચ ભાગલપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. અજીત શર્માએ કહ્યું કે, હું તો ધારાસભ્ય છું, પરંતુ જો વિપક્ષી ગઠબંધન દ્વારા આ બેઠક કોંગ્રેસને ફાળવવા આવે અને પાર્ટી ઈચ્છે તો નેહા અહીંથી ઉમેદવાર બનશે.

નેહાએ તેની કારકિર્દી દરમિયાન તૂમ બિન ટૂ, જોગીરા સા રા રા રા, યંગિસ્તાન, ક્યા કૂલ હૈ હમ જેવી ગણીગાંઠી ફિલ્મો જ કરી છે. તેની કોઈ ફિલ્મ ખાસ સફળ થઈ નથી અને બોલિવૂડમાં તેણે ખાસ ઓળખ પણ ઊભી કરી નથી. આથી, તે બોલિવૂડને તિલાંજલિ આપી રાજકારણમાં ઝંપલાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ‘યંગીસ્તાન’ ફિલ્મમાં નેહાએ એક યુવાન રાજકારણની પત્નીની ભૂમિકા અદા કરી હતી અને આ ફિલ્મમાં તે ચૂંટણી પ્રચાર કરતી હોય તેવાં દ્રશ્યો પણ હતાં. હાલ નેહા સોશિયલ મીડિયા પર પોતાના અતિશય બોલ્ડ ફોટા શેર કરતી રહે છે અને તેના કારણે તે સોશિયલ મીડિયા પર બહુ મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે.

ગત ચૂંટણીના શું હતા પરિણામ?

2019ની લોકસભા ચૂંટણીમાં NDAને મોટી જીત મળી હતી. ગત ચૂંટણીમાં જેડીયુ અને ભાજપે 17-17 બેઠકો પર ચૂંટણી લડી હતી અને લોજપા છ બેઠકો પર ચૂંટણી લડ્યું હતું. જેમાંથી ભાજપ 17માંથી 17 બેઠકો પર જીત્યું હતું અને જેડીયુએ 16 બેઠકો જીતી હતી. આ સાથે જ લોજપા પણ છ બેઠકો પર જીત્યું હતું. મહાગઠબંધનમાં કોંગ્રેસને માત્ર એક બેઠક કિશનગંજમાં જીત મળી હતી.

ભાજપે કંગના રણૌતને આપી ટિકિટ

ભાજપે હિમાચલના મંડીથી અભિનેત્રી કંગના રણૌતને ટિકિટ આપી છે. અગાઉ બગલામુખી મંદિરમાં માતાના દર્શન કરતી વખતે કંગનાએ મીડિયા પત્રકારો સાથે વાતચીત કરી હતી. જ્યારે તેમને લોકસભા ચૂંટણી લડવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે અભિનેત્રીએ કહ્યું કે, 'હા જો માતા રાનીના આશીર્વાદ અને કૃપા રહેશે તો તે મંડી સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે.' કંગના રણૌત હિમાચલ પ્રદેશના મંડીની રહેવાસી છે.



Google NewsGoogle News