મને અરમાન સાથે 7 દિવસમાં જ પ્રેમ થયો... બિગ બોસ પર એક્ટ્રેસ ભડકી, આવી બેશરમી મનોરંજન છે?
Devoleena Bhattacharjee on Armaan Malik's entry in BB OTT 3 : એક સમયે ટેલિવિઝન પર જાણીતો શૉ ‘બિગ બોસ’ છેલ્લા બે વર્ષથી ઓટીટી પર પણ દેખા દે છે. તાજેતરમાં, 21 જૂનના રોજ એની ત્રીજી ઓટીટી સિઝન શરૂ થઈ અને શરૂ થતાં જ વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો. જાણીતી ટીવી અભિનેત્રી અને બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક એવી દેવોલીના ભટ્ટાચાર્યે બિગ બોસના સંદર્ભમાં કંઈક એવો મુદ્દો છેડ્યો જેને પરિણામે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે.
શું છે મુદ્દો?
બિગ બોસ ઓટીટી સિઝન ત્રણના હોસ્ટ છે અનિલ કપૂર. શૉના પહેલા એપિસોડમાં સ્પર્ધકોના પરિચય દરમિયાન કંઈક એવું બન્યું જે જોઈને દર્શકોના મોટા વર્ગને આઘાત લાગ્યો છે. બન્યું એવું કે શોમાં જાણીતા યુટ્યુબર અરમાન મલિકે એન્ટ્રી મારી, એય એકલા નહીં એની બબ્બે પત્નીઓ પાયલ અને ક્રિતિકા સાથે. પરિચય વિધિ દરમિયાન પહેલી પત્ની પાયલે પોતાની લવસ્ટોરી અને લગ્ન વિશે જણાવતા કહ્યું કે, ‘મને અરમાન સાથે 6-7 દિવસમાં જ પ્રેમ થઈ ગયો હતો અને પછી અમે લગ્ન કરી લીધા હતા. મારી બેસ્ટ ફ્રેન્ડ ક્રિતિકા મારે ઘરે અઠવાડિયું રહેવા આવી એમાં મારા પતિ સાથે એને પ્રેમ થઈ ગયો. એ બંનેએ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે પછી અમારા સૌની મંજૂરીથી બંને પરણી ગયા. હવે અમે ત્રણે એક છત નીચે ભેગા રહીએ છીએ.’
અહીં એ જાણી લેવું જરૂરી છે કે અરમાન મલિકનું મૂળ નામ સંદિપ સિંહ છે. એ કન્ટેન્ટ ક્રિએટર છે, મુખ્યત્વે કોમેડી વીડિયો બનાવે છે. યુટ્યુબર પર એની ચેનલના 75 લાખથી વધુ ફોલોઅર્સ છે.
વિવાદનું કારણ બન્યું બહુપત્નીત્વ
આ એપિસોડ જોતાં જ દેશભરના લોકોના મિશ્ર પ્રતિભાવ આવવા લાગ્યા. કોઈએ વાત હસવામાં ઉડાવી દીધી, કોઈએ એને વ્યક્તિગત પસંદ ગણીને વણદેખી કરી તો કોઈએ આકરા પ્રતિભાવ આપ્યા. આકરો પ્રતિભાવ આપનાર લોકોમાં એક જાણીતું નામ છે દેવોલીના ભટ્ટાચાર્ય જેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લાંબી પોસ્ટ મૂકીને આ મુદ્દાની ઝાટકણી કાઢી.
શું લખ્યું દેવોલીનાએ?
દેવોલીનાના શબ્દો જોઈએ તો એણે લખ્યું કે, ‘આ મનોરંજન નથી, ગંદકી છે. આને હળવાશથી લેવાની ભૂલ કરશો નહીં કારણ કે આ માત્ર ‘રીલ લાઇફ’ નથી, ‘રિયલ લાઇફ’ છે. મને એ સમજાતું નથી કે આવી બેશરમીને મનોરંજન કેવી રીતે કહી શકાય? માત્ર 6-7 દિવસમાં પ્રેમ થયો, લગ્ન થયા અને પછી પત્નીની સહેલી સાથે પણ એમ જ કર્યું! આ મારી કલ્પના બહારની વાત છે.’
વધુમાં દેવોલીનાએ બિગ બોસના સર્જકોને આડેહાથે લેતા એમને પ્રશ્ન કર્યો કે, ‘શું આવું બહુપત્નીત્વ તમને મનોરંજક લાગે છે? તમારો શો બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો જુએ છે. તમારી એમના પ્રત્યે કોઈ સામાજિક જવાબદારી જેવું નથી? આવું દેખાડીને તમે નવી પેઢીને શું એમ શીખવવા માંગો છો, તેઓ પણ 2, 3 કે 4 લગ્ન કરીને બધાં આનંદથી ભેગા રહી શકે છે?’
ગંભીર મુદ્દો છેડતા દેવોલીનાએ લખ્યું કે, ‘આ ત્રણ જણ ભેગા ખુશી ખુશી રહેતા હોય એટલે બહુપત્નીત્વ બહુ સારું, એવું નથી. બહુપત્નીત્વનો ભોગ બનેલી મહિલાઓને જઈને પૂછો કે એમના જીવનમાં કેટલી તકલીફો છે. પુરુષોની જેમ સમાનતાના નામે મહિલાઓ પણ 2-2 પતિઓ રાખવા લાગશે, તો તમે એને પણ મનોરંજક ગણશો?’
દેવોલીના તો અરમાન મલિકના ફોલોઅર્સને પણ આડેહાથે લેવાનું નથી ચૂકી. એણે લખ્યું કે, ‘આવા માણસોને ફોલો કરનારા કોણ છે? તેઓ કયા કારણોસર તેમને ફોલો કરે છે? તમારું મગજ ઠેકાણે નહીં હોય તો જ તમે આવાઓને ફોલો કરશો. આવી બેશરમી જો તમને યોગ્ય લાગતી હોય તો તમારું જીવવું નકામું છે. અને છતાં જો તમારે 2-3 લગ્ન કરવા જ હોય તો કરો, પણ પછી એનો દેખાડો જાહેરમાં ન કરો, એને તમારા ઘરમાં જ રાખો. જેથી તમારી ગંદી માનસિકતા દુનિયામાં ન ફેલાય.’
આટલું લખ્યા બાદ દેવોલીનાએ મહત્ત્વની વાત કરતા કહી દીધું કે, ‘આવા કારણસર જ સ્પેશિયલ મેરેજ એક્ટ અને UCC (યુનિફોર્મ સિવિલ કોડ) ફરજિયાત કરી દેવાની જરૂર છે, જેથી સમાજ આવી ગંદકીથી મુક્ત રહી શકે.’
શું કહેવું છે નેટિઝન્સનું?
દેવોલીનાએ આ મુદ્દે આકરું વલણ દાખવ્યું એ પછી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકો ખુલીને પોતાની લાગણીઓને વાચા આપવા લાગ્યા છે. ઘણાંએ દેવોલીનાની વાતને સમર્થન આપ્યું છે તો ઘણાએ આ મુદ્દો અરમાન મલિકની અંગત બાબત ગણીને દેવોલીનાના વિરોધમાં પણ લખ્યું છે. આ મુદ્દે તમારો શું વિચાર છે? બહુપત્નીત્વનો આવો ઉઘાડેછોગ દેખાડો યોગ્ય છે?