Bigg Boss ફેમ શિવ ઠાકરે અને અબ્દુ રોજિકને EDનું સમન્સ,જાણો શું છે મામલો
નવી મુંબઇ,તા. 22 ફેબ્રુઆરી 2024,ગુરુવાર
ED ઘણા સ્ટાર્સને ટાર્ગેટ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે બિગ બોસ 16ના બે પોપ્યુલર કન્ટેસ્ટેન્ટ્સ ઈડીના રડારમાં આવી ગયા છે. ટીવી અભિનેતા અને મરાઠી ફિલ્મ અભિનેતા શિવ ઠાકરે, સોશિયલ મીડિયા ઇંફ્લુઝર અબ્દુ રોજિકને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. શિવ ઠાકરે પણ ED સમક્ષ હાજર થયા છે. કથિત ડ્રગ માફિયા અલી અસગર શિરાઝી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
આ કેસમાં સાક્ષી તરીકે શિવનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. શિવ ઠાકરે ઉપરાંત અબ્દુ રોજિક (Abdu Rozik)ને પણ EDનું સમન્સ મળ્યું છે. આ બંને બિગ બોસના કારણે પ્રખ્યાત થઈ ચૂક્યા છે. શૉમાં સફળતા મળ્યા બાદ બંનેએ પોત-પોતાની રેસ્ટોરન્ટ ખોલી હતી, જે હવે વિવાદમાં આવી ગઈ છે અને હવે આ રેસ્ટોરન્ટને લઈને જ ED બંનેની પૂછપરછ કરશે.
શું છે સમગ્ર મામલો
અલી અસગર શિરાઝીએ હસ્ટલર્સ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ કંપની બનાવી હતી. આ કંપનીએ અભિનેતા શિવ ઠાકરે અને અબ્દુ રોઝિક સહિત ઘણા સ્ટાર્ટઅપ્સને ફંડિંગ આપ્યું હતું.
કંપનીએ દેખીતી રીતે ઠાકરે ટી એન્ડ સ્નેક્સ સહિતના અનેક સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સમાં નાર્કો-ફંડિંગ દ્વારા નાણાં કમાયા હતા. અબ્દુ રોઝીકે Hustlers દ્વારા Hustlers Hospitality સાથે ભાગીદારીમાં બર્ગર બ્રાન્ડ Burgerir લોન્ચ કરી હતી. આરોપ છે કે, અલી અસગર શિરાઝીએ બર્ગિરમાં નોંધપાત્ર રોકાણ કર્યું હતું.
શિવ ઠાકરેનું નિવેદન
EDને આપેલા તેમના નિવેદનમાં, શિવ ઠાકરેએ ખુલાસો કર્યો કે 2022-23માં તેઓ કોઈના દ્વારા હસ્ટલર્સ હોસ્પિટાલિટીના ડિરેક્ટર કૃણાલ ઓઝાને મળ્યા હતા. કૃણાલે તેને ઠાકરે ચા અને સ્નેક્સ માટે પાર્ટનરશીપ ડીલ ઓફર કરી હતી.આ કરાર મુજબ, હસ્ટલર્સ હોસ્પિટાલિટીએ ઠાકરે ટી એન્ડ સ્નેક્સમાં નોંધપાત્ર રકમનું રોકાણ કર્યું હતું.