એક સમયના સ્ટાર અભિનેતાની 20 વર્ષની દીકરીનું કેન્સરથી મોત, ફિલ્મ જગતમાં શોક
Krishan Kumar Daughter Tishaa Kumar Passes Away: 90ના દાયકાના ફિલ્મ અભિનેતા અને ટી-સીરીઝના કો-ફાઉન્ડર કૃષ્ણ કુમારની પુત્રી તિશાનું કેન્સરના કારણે 20 વર્ષની ઉંમરે નિધન થયું છે. તિશા છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તેમજ તેને કેન્સરની સારવાર માટે મુંબઈથી જર્મની લઈ જવામાં આવી હતી, પરંતુ તિશાનું જર્મનીની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. આટલી નાની ઉંમરમાં તિશાના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.
ટી-સિરીઝના પ્રવક્તાએ માહિતી આપી
ટી-સીરીઝના પ્રવક્તાએ તિશાના નિધનના સમાચાર શેર કરતા તેમણે કહ્યું હતું કે, 'લાંબા સમયથી કેન્સરની લડાઈ લડી રહેલી કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારનું ગઈકાલે નિધન થયું છે. આ સમય સમગ્ર પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ છે અને તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે પરિવારની ગોપનીયતાનું સન્માન કરો.'
તિશાને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ હતું
કૃષ્ણ કુમાર અને તાન્યા સિંહની પુત્રી તિશાને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ હતું. આથી તે મીડિયા સામે વધુ જોવા ન મળતી. છેલ્લે તે નવેમ્બર 2023માં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ એનિમલના પ્રીમિયરમાં તેના પિતા સાથે પોઝ આપતી જોવા મળી હતી.
કૃષ્ણ કુમારે આ ફિલ્મોમાં કામ કર્યું
કૃષ્ણ કુમાર વિશે વાત કરીએ તો, તેઓ મ્યુઝિક કંપની ટી-સિરીઝના સ્થાપક અને ફિલ્મ નિર્માતા ગુલશન કુમારના નાના ભાઈ છે. 90ના દાયકામાં કૃષ્ણ કુમારે પણ ફિલ્મોમાં પોતાની પ્રતિભા દેખાડી હતી. કૃષ્ણ કુમારે 1993માં આવેલી ફિલ્મ 'આજા મેરી જાન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની શિલ્પા શિરોડકર સાથેની ફિલ્મ 'બેવફા સનમ' આજે પણ દર્શકોમાં ઘણી ફેમસ છે. આ પછી, એ જ વર્ષે અભિનેતાની વધુ બે ફિલ્મો 'કસમ તેરી કસમ' અને 'શબનમ' રીલિઝ થઈ અને પછી આ અભિનેતા રાતોરાત સ્ટાર બની ગયો.