સત્ય ઘટના પર આધારિત ફિલ્મ 'ભક્ષક'નું ટ્રેલર રિલીઝ, ભૂમિ પેડનેકર બની પત્રકાર
નવી મુંબઇ,તા. 31 જાન્યુઆરી 2024,બુધવાર
બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની આગામી ફિલ્મ 'ભક્ષક' માટે સતત ચર્ચામાં છે. ભૂમિની અગાઉની ઘણી ફિલ્મો એક પછી એક ફ્લોપ સાબિત થઈ છે. ફિલ્મ ભક્ષકને લઇને એક અપડાટ સામે આવી છે. મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ દરેક જગ્યાએ 'ભક્ષક'ના ટ્રેલરની જ ચર્ચા થઈ રહી છે. બિહારની ભયાનક ઘટના પર આધારિત આ ફિલ્મમાં ભૂમિ પત્રકારની ભૂમિકામાં જોવા મળશે.
'ભક્ષક'માં ભૂમિ પેડનેકરનું પાત્ર એક ઇન્વેસ્ટિગેટિવ પત્રકારનું હશે. જે પોતાની સમજ અને દિમાગથી ન્યાય માટે લડતી જોવા મળશે.
ફિલ્મની સ્ટોરી?
'ભક્ષક'નું ટ્રેલર જોયા પછી, વર્ષ 2018માં બનેલા બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસની કહાની યાદ આવે છે. પુલકિતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ટ્રેલર જોયા બાદ ફિલ્મની સ્ટોરી ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ જાય છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે ભૂમિ ગર્લ્સ હોમમાં છોકરીઓ સાથે થઈ રહેલા જઘન્ય અપરાધો વિશે સત્યને દુનિયાની સામે લાવવાનો પ્રયાસ કરી રહી છે.
નિર્દેશક 'ભક્ષક' વિશે જણાવે છે કે, આ ફિલ્મની સ્ટોરી માત્ર બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસની નથી, પરંતુ આ ફિલ્મમાં દેશમાં બનતી આવી ઘણી ઘટનાઓને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભૂમિ પેડનેકરની 'ભક્ષક' શાહરૂખ ખાન અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝના બેનર હેઠળ બની છે. તે જ સમયે, આ ફિલ્મ ગૌરવ વર્મા અને ગૌરી ખાન દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, સંજય મિશ્રા, આદિત્ય શ્રીવાસ્તવ અને સાઈ તામ્હંકર લીડ રોલમાં જોવા મળશે. સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ માટે તૈયાર છે.