ગુડ લુકિંગ હોવાના કારણે આ એક્ટરને કામ નહોતું મળતું, 'હીરામંડી'ના સ્ટાર એક્ટરનું દર્દ છલકાયું
સંજય લીલા ભણસાળીની ચર્ચાસ્પદ વેબ સીરિઝ ‘હીરામંડી’માં તાજદારનો રોલ કરનારો એક્ટર તાહા શાહ બદુસા રાતોરાત સ્ટાર બની ગયો છે. તેના કામની ચોતરફ પ્રશંસા થઇ રહી છે અને હજુ તે પોતાની ઓળખ બનાવવા ખૂબ મહેનત કરી રહ્યો છે.
અહીં સુધી પહોંચવાની સ્ટ્રગલ વિશે વાત કરતા તે કહે છે કે, ‘પાંચ-છ વર્ષથી મારા ઇન્સ્ટામાં 500-600 લાઇક્સ આવતા. પછી તો તે એક દિવસ અચાનક વધીને 2-3 લાખ થઈ ગયા. વળી, હવે તો દર બે-ત્રણ મિનિટે મને એક મેસેજ આવે છે. પહેલાં હું કાસ્ટિંગ ડાયરેક્ટર્સને દિવસના 40-40 ફોન કરતો હતો. હું મારા કામને લઇને ડેસ્પરેટ છું.’
આ વિશે વધુ વાત કરતા તે કહે છે કે, ‘જો તમે લાઇફમાં ડેસ્પરેટ નથી, તો તમે કંઇ પણ નહીં કરી શકો. એક સમયે હું ઓડિશન આપવા પણ પૈસા ચૂકવતો. યશરાજ ફિલ્મમાંથી કોલ આવતા પહેલાં એક દિવસમાં હું આઠ જગ્યાએ ઓડિશન આપવા જતો. ઘણી વાર મેં રૂ. દસેક હજાર પણ ચૂકવ્યા. ઘણી વાર મારા પાસેથી ઓડિશનની ફી વસૂલાયા પછી ત્યાંથી ઓફિસ જ ગાયબ થઇ જતી.’
રિજેક્શન મુદ્દે ચોંકાવનારી વાત કરતા તાહા કહે છે કે, ‘હું સ્માર્ટ હોવાના કારણે રિજેક્શનનો સામનો કરતો હતો. મને કહેવામાં આવતું કે તમે ઘણાં સ્માર્ટ અને ગુડ લુકિંગ છો. જો તમને લઇશું તો લીડ હીરોનું શું થશે?’
જો કે હવે તાહાને ‘હીરામંડી’થી મોટો બ્રેક મળ્યો છે. નોંધનીય છે કે, તેણે 2011માં ‘લવ કા ધ એન્ડ’થી ડેબ્યુ કર્યું હતું.