ફેક ન્યૂઝથી કંટાળ્યો બચ્ચન પરિવાર: આરાધ્યાએ અરજી દાખલ કરતાં કોર્ટે ગૂગલને પાઠવી નોટિસ
Image: Facebook
Aaradhya Bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં ફરીથી નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં આરાધ્યાએ વિનંતી કરી કે 'મારી હેલ્થને લઈને અલગ-અલગ વેબસાઈટ પર ચાલી રહેલી ફેક અને ભ્રમિત કરનારી જાણકારી ઘણા પોર્ટલ્સ પર અત્યાર સુધી હાજર છે. જેને ઝડપથી હટાવવામાં આવે.' અરજી પર કોર્ટ તરફથી નોટિસ જારી કરવામાં આવી છે.
કોર્ટે નોટિસ મોકલી
આરાધ્યાએ પોતાની અરજીમાં મામલા પર સંક્ષિપ્ત નિર્ણયની માગ કરી છે. જેના જવાબમાં કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ, જે બાદ ગૂગલ સહિત અન્ય વેબસાઈટને નોટિસ મોકલવામાં આવી. નોટિસમાં એ તર્ક આપવામાં આવ્યો છે કે ફેક જાણકારી અપલોડ કરનારે કોર્ટમાં હાજરી આપી નથી અને બચાવનો તેમનો અધિકાર પહેલા જ બંધ થઈ ચૂક્યો છે. મામલા પર આગામી સુનાવણી 17 માર્ચ 2025એ થશે.
શું છે સમગ્ર મામલો
અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને પોતાના પિતા અભિષેક બચ્ચનની મદદથી એપ્રિલ 2023માં કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં નોંધાયેલા મામલામાં યુટ્યુબ પર આરાધ્યાનો ફેક વીડિયો અને જાણકારી વાઈરલ થવાની ફરિયાદ કરવામાં આવી હતી. હાઈકોર્ટે વચગાળાના ઓર્ડર દ્વારા યુટ્યુબથી આરાધ્યાની હેલ્થ પર ચાલી રહેલા વીડિયો અને ભ્રમિત કરનારી જાણકારીને રોકવાના આદેશ આપ્યા હતાં. હાઈકોર્ટે ગૂગલને પણ તાત્કાલિક મામલા સાથે જોડાયેલા વીડિયોને ડીએક્ટિવેટ કરવાનો આદેશ આપ્યો હતો.
ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન ચાહકોની ફેવરેટ સ્ટાર કિડ્સમાંની એક છે. તે ઘણી વખત માતા ઐશ્વર્યા સાથે ટ્રાવેલ કરતાં અને ઈવેન્ટ્સમાં હાજરી આપતાં નજર આવે છે. 13 વર્ષની આરાધ્યા પોતાના મસ્તીભર્યા અંદાજ અને હેરસ્ટાઈલને લઈને પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર હંમેશા તેની તસવીરો અને વીડિયો વાઈરલ થાય છે.