બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
- નાની વયે જ ટાઈપકાસ્ટ થઈ જવાનો ડર
- ટૂંક સમયમાં રોમાન્ટિક કોમેડી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરે તેવી ધારણા
મુંબઈ: દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાને સંખ્યાબંધ ફિલ્મો તથા ઓટીટી પ્રોજેક્ટસમાં દમદાર એક્ટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, બાબિલના જણાવ્યા અનુસાર તે હવે સિરિયલ રોલ કરી કરીને કંટાળી ગયો છે. હવે તે રોમાન્ટિક રોલ ભજવવા માગે છે. ચાહકોના મતે બાબિલ ખાને આગામી રોમાન્ટિક ફિલ્મનો ઈશારો આપ્યો છે. બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર ફિલ્મ સર્જક સાઈ રાજેશ બાબિલ ખાનને લઈને એક રોમાન્ટિક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મની હજુ સુધી અધિકૃત ઘોષણા થઈ નથી. પરંતુ, બાબિલ ખાનના નિવેદન પછી આજકાલમાં આ ફિલ્મ તથા તેની કાસ્ટની જાહેરાત થઈ શકે છે તેવી માન્યતા છે. બાબિલ ખાનને ભોપાલ ગેસ દુર્ઘટના પરની 'ધી રેલવે મેન' વેબ સીરિઝ માટે ખાસ્સી પ્રશંસા મળી હતી.
જોકે, તે પછી તેને મોટાભાગે સિરિયસ રોલ જ ઓફર થઈ રહ્યા છે.
બાબિલ ખાનના જણાવ્યા અનુસાર પોતે રોમાન્ટિક કે કોમેડી ભૂમિકા પણ કરી શકે છે તેવું દર્શાવવા ઈચ્છે છે.