બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનને મળી Y+ કેટેગરીની સુરક્ષા, ગેલેક્સીની કિલ્લેબંધી કરાઈ
Salman Khan Y+ Security: આ વર્ષે 14 એપ્રિલે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ બાદ તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ 12 ઑકટોબરના રોજ મુંબઈમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર બાબા સિદ્દીકીને સલમાન ખાન સાથેના ગાઢ સંબંધોના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમની હત્યા બાદ હવે સલમાન ખાનની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. મંગળવારે સલમાનની સુરક્ષાને Y+માં અપગ્રેડ કરવામાં આવી હતી. હવે ફિલ્મ સ્ટારની મુસાફરી દરમિયાન તેની સાથે પોલીસ એસ્કોર્ટ હંમેશા હાજર રહેશે.
સલમાન ખાનને મળી Y+ કેટેગરીની સુરક્ષા
Y+ સુરક્ષા હેઠળ, સલમાન ખાનને એક ખાનગી સુરક્ષા અધિકારી સાથે એસ્કોર્ટ વાન પણ મળી છે, જે દરેક જગ્યાએ પડછાયાની જેમ તેની સાથે હાજર રહેશે. અલગ-અલગ હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ પામેલો કોન્સ્ટેબલ પણ હંમેશા અભિનેતા સાથે રહે છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ખાસ કરીને સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અહીં સુરક્ષા માટે ફાર્મહાઉસની અંદર અને બહાર બંને જગ્યાએ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
ગેલેક્સી એપાર્ટમેન્ટની બહારની પણ કડક સુરક્ષા વ્યવસ્થા
આ ઉપરાંત હાલ સલમાન ખાનનું ઘર એક કિલ્લામાં પરિવર્તિત થઈ ગયું છે. જ્યાં ચારેબાજુએ પોલીસ છે. મીડિયા કર્મચારીઓને આ વિસ્તારમાં શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જો કે, એપાર્ટમેન્ટની બહારની કોઈપણ એક્ટીવીટી થાય તે જોવા માટે સ્ટ્રીટ સાઇડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. આ ઉપરાંત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહારના રસ્તા પર પણ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સુરક્ષિત છે.
સલમાન પર હુમલો કરવાનો પ્લાન નિષ્ફળ ગયો હતો
લૉરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા ઘણા મહિનાઓથી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. જૂન 2024 માં લૉરેન્સ બિશ્નોઈ ગેંગએ સલમાન ખાનના ફાર્મહાઉસની નજીક તેની કાર રોકીને એકે-47 રાઇફલ્સથી તેના પર હુમલો કરવાની યોજના બનાવી હતી. જે નિષ્ફળ રહ્યો હતો.