કરીનાની ફિલ્મ દાયરામાંથી આયુષમાનની હકાલપટ્ટી
- મેઘના ગુલઝાર આ ફિલ્મ બનાવી રહી છે
- આયુષમાનના સ્થાને સાઉથનો સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન ગોઠવાઈ ગયો
મુંબઇ : કરીના કપૂરની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'દાયરા'માંથી આયુષમાન ખુરાનાની હકાલપટ્ટી થઈ ગઈ છે. તેની જગ્યાએ હવે સાઉથનો સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન ગોઠવાઈ ગયો છે.
મેઘના ગુલઝાર આ ફિલ્મ બનાવી રહી છે. તેની શૈલી પ્રમાણે આ ફિલ્મ સ્ત્રી કેન્દ્રીત છે. હિરોનું પાત્ર પોલીસ અધિકારીનું છે. બહુ લાંબા સમય પહેલાં જ આયુષમાનને આ ફિલ્મમાં સાઈન કરી દેવામાં આવ્યો હતો. હવે તેની હકાલપટ્ટી અંગે જાતભાતનાં કારણો ચર્ચાઈ રહ્યાં છે. જોકે, એક દાવા અનુસાર આયુષમાનને આ ફિલ્મો માટે તારીખોની સમસ્યા સર્જાઈ હતી એટલે તેણે સામે ચાલીને આ ફિલ્મ છોડી દીધી છે.
આ ફિલ્મ માટે અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ વાતચીત થઈ હતી. પરંતુ, તેણે ફિલ્મમાં હિરો કરતાં હિરોઈનની ભૂમિકા વધારે પાવરફૂલ હોવાના મુદ્દે ફિલ્મ છોડી દીધી હતી.
પૃથ્વીરાજ સુકુમારન કેટલાય સમયથી બોલીવૂડમાં પગ જમાવવા પ્રયાસ કરી રહ્યો છે. તેણે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની 'બડે મિયાં છોટે મિયાં'માં પણ એક ભૂમિકા ભજવી હતી. જોકે, આ ફિલ્મનો ટિકિટબારી પર કરુણ રકાસ થયો હતો અને તેના કારણે પૃથ્વીરાજની જોઈએ તેવી નોંધ લેવાઈ ન હતી.