હું દર વર્ષે અયોધ્યા આવીશ: પ્રાણ પ્રતિષ્ઠામાં રામલલાના દર્શન કરીને ધન્ય થયા રજનીકાંત
- પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશના હજારો નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી હતી
નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી 2024, મંગળવાર
હિન્દુ સમાજના 500 વર્ષના આકરા સંઘર્ષ બાદ સોમવારે અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ખાસ અવસર પર રામના દરબારમાં દેશના હજારો નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. સાધુ-સંતો અને ટોચના નેતાઓ સાથે બોલીવુડના સિતારાઓએ પણ હાજરી નોંધાવી હતી. આ કાર્યક્રમમાં સુપરસ્ટાર રજનીકાંત પણ સામેલ થયા હતા.
રજનીકાંતને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થઈને ખૂબ જ ખુશી મળી. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે તેઓ દર વર્ષે ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા આવશે.
શું બોલ્યા રજનીકાંત?
રજનીકાંત તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'થલાઈવા'નો દરજ્જો ધરાવે છે. તેમણે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા અંગે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરી હતી. ત્યારે થલાઈવાએ કહ્યું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે અને હું ખૂબ જ ભાગ્યશાળી છું. હું દર વર્ષે ચોક્કસથી અયોધ્યા આવીશ.
રજનીકાંત ઉપરાંત અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સાઉથમાંથી ચિરંજીવી, રામ ચરણ અને સુમને હાજરી આપી હતી. બીજી તરફ બોલીવુડમાંથી ઈન્ડસ્ટ્રીમાંથી અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, કંગના રનૌત, અનુપમ ખેર, જેકી શ્રોફ, રોહિત શેટ્ટી, કેટરિના કૈફ, વિકી કૌશલ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને, જેકી શ્રોફ, વિવેક ઓબેરોય અને સુભાષ ઘઈ સહિત અનેક સિતારાઓ સામેલ થયા હતા.