આશા ભોસલેની પૌત્રી જનાઈને અંતે બોલીવૂડમાં બ્રેક મળ્યો
- શિવાજી મહારાજની પત્નીની ભૂમિકા ભજવશે
- સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિય જનાઈને કઝિન શ્રદ્ધા કપૂરે અભિનંદન પાઠવ્યાં
મુંબઈ : લિજન્ડરી સિંગર આશા ભોસલેની પૌત્રી જનાઈને આખરે બોલીવૂડમાં બ્રેક મલ્યો છે. તે 'છત્રપતિ શિવાજી મહારાજ' ફિલ્મમાં શિવાજી મહારાજનાં પત્ની રાની સાઈ ભોસલેની ભૂમિકામાં જોવા મળશે.
જનાઈ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી હોવાની માહિતી ખુદ આશા તાઈએ સોશિયલ મીડિયા પર આપી હતી. આ ફિલ્મ નિર્માતા સંદિપ સિંઘ બનાવી રહ્યા છે. ફિલ્મ આગામી ૨૦૨૬માં રજૂ કરવાનું પ્લાનિંગ છે. જનાઈ બહુ સારી ડાન્સર અને સિંગર પણ છે. સોશિયલ મીડિયામાં તેની ખૂબસુરતીના અનેક ચાહકો છે. આશા ભોસલેના કોન્સર્ટમાં મોટાભાગે જનાઈનાં પરફોર્મન્સ જોવા મળે છે. જનાઈ આશા તાઈની બહુ લાડલી છે અને તે લગભગ તેમની સાથે ને સાથે જ જોવા મળતી હોય છે.
આશા ભોસલેએ પોતાના બોલીવૂડના સંપર્કો થકી જનાઈને કોઈ મોટા પ્રજેક્ટ થકી લોન્ચ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે સંજય લીલા ભણશાળી સહિતના ફિલ્મ સર્જકોને પણ જનાઈને તક આપવા જણાવ્યું હોવાનું કહેવાય છે. જનાઈ શ્રદ્ધા કપૂરની કઝિન પણ થાય છે. શ્રદ્ધાએ જનાઈની બોલીવૂડમાં એન્ટ્રી નિમિત્તે તેને શુભેચ્છા પાઠવી હતી.