દિગ્ગજ સિંગર આશા ભોંસલેએ ગાયુ 'તૌબા તૌબા', કરણ ઔજલા ખુદ સાંભળીને શોક થઈ ગયો!
Asha Bhosle sang Karan Aujla's hit song Tauba Tauba : બોલિવૂડની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેએ લગભગ પાંચ દાયકા સુધી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં રાજ કર્યું છે. તેમને ગાયેલા તમામ ગીતો સુપરહિટ રહ્યા હતા. આશા ભોંસલેના નામે ઘણા રૅકોર્ડ્સ પણ નોંધાયેલા છે. તેમના સુરીલા અવાજમાં ગાયેલા ગીતો આજે પણ બધાના ફેવરીટ છે. આમ તો તેમણે ઘણા ગીતો ગાયેલા છે, પરંતુ હાલમાં જ દિગ્ગજ ગાયકે એક એવું ગીત ગાયું છે, જેને બધાને ચોંકાવી દીધા છે.
કરણ ઔજલાનું ગીત 'તૌબા-તૌબા' ગાયું હતું
આશા ભોંસલેએ થોડા દિવસો પહેલા એક મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે પંજાબી ગાયક કરણ ઔજલાનું ગીત 'તૌબા-તૌબા' ગાયું હતું. આ ગીત ગાતી વખતનો તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આશા ભોંસલે પોતાના અંદાજમાં આ સુપરહિટ ગીત ગાતા જોઈ શકાય છે. જેને ત્યાં હાજર દરેક લોકોએ એન્જોય કર્યું હતું. દિગ્ગજ આર્ટિસ્ટને આ ગીત ગાતા જોઈને સિંગર કરણ ઔજલા પણ પોતાની જાતને રોકી શક્યો નહોતો. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
હું ખૂબ ધન્યતા અનુભવુ છું: કરણ
કરણે લખ્યું છે કે, 'આ ગીત પર માત્ર ચાહકો તરફથી જ નહીં પરંતુ ઘણા સંગીત કલાકારો તરફથી પણ ઘણો પ્રેમ મળ્યો છે. પરંતુ આ ક્ષણ મારા માટે ખૂબ જ ખાસ છે અને હું તેને ક્યારેય ભૂલીશ નહીં. તેના માટે હું ખૂબ ધન્યતા અનુભવુ છું. તમારાથી મને પ્રેરણા મળી છે, તમારા માટે સારા ગીતો લખતો રહીશ અને યાદો બનાવતો રહીશ. તેમણે 91 વર્ષની ઉંમરે મારા કરતાં વધુ સારું ગાયું હતું.'
તૌબા-તૌબા' જ્યારથી રિલીઝ થયું છે, ત્યારથી તે યુવા પેઢીમાં ખૂબ જ લોકપ્રિય
કરણની સાથે સાથે ઘણા ચાહકો અને એક્ટર્સ પણ આશા ભોંસલેની પ્રતિભાના પ્રશંસક બની ગયા છે. તેમણે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી અને લખ્યું કે, 'આ કેટલા સાચા કલાકાર છે, લિજેન્ડ.' કરણ ઔજલાનું ગીત 'તૌબા-તૌબા' જ્યારથી રિલીઝ થયું છે, ત્યારથી તે યુવા પેઢીમાં ખૂબ જ લોકપ્રિય છે. ગીતમાં એક્ટર વિકી કૌશલનો ડાન્સ પણ વાયરલ થયો હતો અને બધાએ તેને કોપી કરવાનો પ્રયાસ કર્યો હતો.