પહેલા બે દિવસની કમાણીમાં કાશ્મીર ફાઈલ્સ કરતાં આર્ટિકલ 370 મોખરે
- યામી ગૌતમની ફિલ્મ વર્ષની પહેલી સરપ્રાઈઝ હિટ
- કાશ્મીર ફાઈલ્સના કુલ 250 કરોડનાં કલેક્શનને કદાચ વટાવી જશે તેવી અટકળો
મુંબઈ : કાશ્મીરમાં ૩૭૦મી કલમ નાબૂદ થઈ તે તરફ દોરી જતા સંજોગો પર બનેલી ફિલ્મ 'આર્ટિકલ ૩૭૦' આ વર્ષની પહેલી સરપ્રાઈઝ હિટ બને તેવી સંભાવના છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધાર્યા કરતાં સારો દેખાવ કર્યો છે અને પહેલા બે દિવસની કમાણીમાં તો તે કાશ્મીર પર જ બનેલી 'કાશ્મીર ફાઈલ્સ' કરતાં પણ આગળ નીકળી ચુકી છે.
'કાશ્મીર ફાઈલ્સ'નું લાઈફટાઈમ કલેક્શન ૨૫૦ કરોડ રહ્યું હતું. હવે યામી ગૌતમની 'આર્ટિકલ ૩૭૦' કદાચ તે આંકને પણ વટાવી જશે કે કેમ તેના પર ટ્રેડ પંડિતો નજર રાખી રહ્યા છે.
આ ફિલ્મ યામી ગૌતમના પતિ આદિત્ય ધરે બનાવી છે. ફિલ્મ મેકિંગની ટેકનિકની રીતે પણ આ ફિલ્મ 'કાશ્મીર ફાઈલ્સ' કરતાં ચઢિયાતી હોવાનું સમીક્ષકો જણાવી રહ્યા છે.
આ ફિલ્મને પહેલા દિવસે ૬.૧૨ કરોડની ઓપનિંગ મળી હતી. તે પછી બીજા દિવસે તેની કમાણીમાં જમ્પ જોવા મળ્યો હતો અને તે ૯.૮ કરોડ કમાઈ હતી. આમ બે દિવસમાં તેની કમાણી ૧૫.૨૦ કરોડ થઈ ચુકી છે. બીજી તરફવિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'કાશ્મીર ફાઈલ્સ'ની પહેલા દિવસની કમાણી ૩.૫૫ કરોડ અને બીજા દિવસની કમાણી આશરે પાંચ કરોડ રહી હતી. બાદમાં માઉથ પબ્લિસિટીના કારણે તે ફિલ્મ મેગા હિટ બની હતી. 'આર્ટિકલ ૩૭૦'માં પણ માઉથ પબ્લિસિટી કેવી કારગત નિવડે છે તેના પર સૌની નજર છે.
ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર અત્યારે બોલીવૂડમાં બીજી કોઈ મોટી ફિલ્મ ટિકિટબારી પર નથી આવી તેનો લાભ પણ 'આર્ટિકલ ૩૭૦'ને મળી રહ્યો છે. શાહિદ કપૂરની 'તેરી બાતોં મેં ઉલઝા જિયા' હવે ઠંડી પડી ચુકી છે. બીજી તરફ વિદ્યુત જામવાલની 'ક્રેક' ફિલ્મ પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર ફેંકાઈ ચુકી છે.