Padma Awards 2025: અરિજીત સિંહ, પંકજ ઉધાસ સહિતના અનેક સિતારાઓને પદ્મ શ્રી પુરસ્કાર
Padma Awards 2025: કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિન) પૂર્વે શનિવારે(25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરી. આ યાદીમાં અનેક નામી-અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે. કુલ 139 હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી સન્માનિત કરાશે. જેમાં મનોરંજન જગતની હસ્તીઓ પણ સામેલ છે.
બિહારના સ્વર્ગસ્થ શ્રીમતી શારદા સિંહાને પદ્મ વિભૂષણ, કર્ણાટકના દિગ્દર્શક અનંત નાગને પદ્મ ભૂષણ, નંદમુરી બાલકૃષ્ણને પદ્મ ભૂષણ, સ્વર્ગસ્થ ગાયક પંકજ ઉધાસને પદ્મ ભૂષણ, દિગ્દર્શક શેખર કપૂરને પદ્મ ભૂષણ, તમિલ અભિનેતા એસ. અજિત કુમારને પદ્મ ભૂષણ, ભારતીય અભિનેત્રી અને ભરતનાટ્યમ નૃત્યાંગના શોભના ચંદ્રકુમારને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા.
સિંગર અરિજીત સિંહને પદ્મ શ્રી, ભારતીય એક્ટ્રેસ અને ડાન્સર મમતા શંકરને પદ્મ શ્રી અને અન્ય ઘણા ભારતીય કલાકારોને પદ્મ શ્રી સન્માનિત કરાયા છે.
પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરવા પર તમિલ અભિનેતા અજિત કુમારે કહ્યું કે, 'હું આ સન્માન માટે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આટલા ઉચ્ચ સ્તરે સન્માનિત થવું એ મારા માટે એક સૌભાગ્યની વાત છે અને મારા દેશમાં મારા યોગદાનની આ ઉદાર પ્રશંસા માટે હું ખૂબ આભારી છું.'
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી સામેલ છે. આ પુરસ્કાર કલા, સામાજિક કાર્ય, સાર્વજનિક કિસ્સા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, રમત અને સિવિલ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનારાઓને માન્યતા આપે છે.