આઓગે જબ તુમ સાજના..ના ગાયક રશીદ ખાનનું નિધન
- માત્ર 55 વર્ષની વયે કેન્સરથી નિધન
- રમપુર-સહસ્વાન ઘરાનાના રશીદ ખાનનાં નિધનથી શાસ્ત્રીય સંગીત, બોલીવૂડ વર્તુળોમાં આઘાત
મુંબઇ : વિખ્યાત શાસ્ત્રીય ગાયક રશીદ ખાનનું માત્ર ૫૫ વર્ષની વયે કેન્સરથી નિધન થતાં ભારતીય શાસ્ત્રીય સંગીત ઉપરાતં બોલીવૂડના વર્તુળોમાં ભારે શોકની લાગણી છવાઈ છે.
રશીદ ખાન રામપુર-સહસ્વાન ઘરાનાના કલાકાર હતા. આ ઘરાનાની શરુઆત તેમના પરદાદા ઈનાયત હુસૈન ખાને જ કરી હતી.
તેમને લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરની બીમારી હતી. કોલકત્તામાં કેન્સરની સારવાર દરમિયાન હોસ્પિટલની પથારીએ થી પણ એક દિવસ માટે પણ તેઓ રિયાઝ કરવાનું ચૂક્યા ન હતા.
પોતાના કાકા ગુલામ મુસ્તફા ખાન પાસેથી તાલીમ મેળવનારા અને શાસ્ત્રીય સંગીતના ધુરંધર ગાયક ગણાતા રશીદ ખાનને બોલીવૂડના અનેક હિટ ગીતો માટે પણ યાદ કરવામાં આવે છે. કરીના અને શાહિદ કપૂરની ફિલ્મ 'જબ વી મેટ'નું 'આઓગે જબ તુમ ઓ સાજના...'ટાઈમલેસ ક્લાસિક્સની યાદીમાં સ્થાન પામી ચૂક્યું છે. આ ઉપરાંત 'રાઝ થ્રી'નું ગીત 'દીવાના કર રહા હૈ', 'શાદી મેં જરુર આના'નું ગીત 'તુ બન જા ગલી બનારસ કી', 'હેટ સ્ટોરી ટૂ'નું 'કભી આઈને પે ', શાહરુખ ખાનની 'માય નેમ ઈઝ ખાન'નું ' અલ્લાહ હી રહમ','મંટો'નુ ગીત 'બોલ કે લબ આઝાદ હૈ ' જેવાં તેણે સર્જેલાં ગીતો ફિલ્મ અન સંગીતના રસિયાઓમાં બહુ જાણીતાં થયાં છે. લૂઈસ બેન્કસ સાથે તેમણે ભારતીય શાસ્ત્રીય અને વેસ્ટર્ન મ્યુઝિકની અદ્ભૂત જુગલબંધીઓ રચી છે. આ ઉપરાંત સિતારવાદક શાહિદ પરવેઝ સાથેની તેમની જુગલબંધી પણ જાણીતી છે.
તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ તથા ભારતીય સંગીત નાટક અકાદમી એવોર્ડ સહિતના સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.
મનોજ બાજપેયી, સોનુ નિગમ, હંસલ મહેતા, પ્રસુન જોશી સહિતની સંખ્યાબંધ બોલીવૂડ હસ્તીઓએ તેમને અંજલિ પાઠવી હતી.