વેબ સીરિઝ 'સિક્રેડ ગેમ્સ-3'ની રાહ જોઈ રહેલા ચાહકો માટે માઠા સમાચારઃ અનુરાગ કશ્યપે આપ્યુ આ નિવેદન
- OTT પર તાંડવને લઈને હોબાળો થયો છે ત્યારથી તમામ પ્લેટફોર્મ ડરી ગયા છેઃ અનુરાગ કશ્યપ
મુંબઈ, તા. 03 ફેબ્રુઆરી 2023, શુક્રવાર
અનુરાગ કશ્યપ હાલમાં ફિલ્મ 'ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત' (Almost Pyaar With DJ Mohabbat) ને લઈને ચર્ચામાં છે. ગત દિવસોમાં તેઓ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતા. આ દરમિયાન તેમની ફેમસ વેબ સીરિઝ 'સેક્રેડ ગેમ્સ 3'ને અનુલક્ષીને પણ સવાલ કર્યા હતા. તેના જવાબમાં અનુરાગ કશ્યપે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે સીરિઝનો ત્રીજો પાર્ટ હવે નહીં આવે. આ સાથે જ તેમણે સૈફ અલી ખાન અભિનીત તાંડવ અને OTT પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ચાહકો વચ્ચે 'સેક્રેડ ગેમ્સ 3'ને લઈને ઘણી આશાઓ હતો. તે શોના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ અનુરાગ કશ્યપે આ નિવેદન આપીને તેમની આશાઓ ઉપર પાણી ફેરવી નાંખ્યું છે. અનુરાગે સ્પષ્ટ કરી દીધું છે કે આ સીરીઝનો ત્રીજો ભાગનો નિર્માણ તેઓ નથી કરવાના. તમને જણાવી દઈએ કે આ સીરિઝના પહેલા ભાગને જેટલો સારો રિસ્પોન્સ મળ્યો હતો તેટલો સારો રિસ્પોન્સ બીજા ભાગને નહોતો મળ્યો.
તાંડવ પર હોબાળો થયા બાદ...
અનુરાગ કશ્યપે વાતવાતમાં સૈફ અલી ખાનની તાંડવ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારથી OTT પર તાંડવને લઈને હોબાળો થયો છે ત્યારથી તમામ પ્લેટફોર્મ ડરી ગયા છે. આવામાં હવે OTT પાસે એટલી હિંમત નથી. ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન અભિનીત તાંડવને લઈને એટલો વિવાદ થયો હતો કે તેમાં ફેરફાર કરવો પડ્યા હતા. સીરિઝ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો.
નીડરતાથી પોતાની વાત રજૂ કરનાર અનુરાગ કશ્યપના આ નિવેદન બાદ તેમના જે ચાહકો 'સેક્રેડ ગેમ્સ'ના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે તેઓ નિરાશ થઈ શકે છે.