"અમને ના શીખવાડો ફિલ્મ કેવી બનાવવી, ભારતમાં 80 ટકા પુરુષો એનિમલ અને કબીર સિંહમાં બતાવ્યા તેવા જ હોય છે"
ફિલ્મે રિલીઝના ચોથા દિવસ સુધી આશરે 242 કરોડની કમાણી કરી લીધી છે
એનિમલ ફિલ્મનું ડાયરેકશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે
Image:Social Media |
Anurag Kashyap On Animal : રણબીર કપૂર સ્ટારર ફિલ્મ અનિમલ હાલ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રણબીર કપૂરના કરિયરની આ સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થવાની છે. ફિલ્મમાં ખુબ જ હિંસા અને ઈન્ટીમેસી બતાવવામાં આવી છે. દર્શકો ફિલ્મને ખુબ પસંદ કરી રહ્યા છે પરંતુ તેઓ રણબીરના પાત્ર અને તેના સીનની ટીકા પણ કરી રહ્યા છે. આ ફિલ્મનું ડાયરેકશન સંદીપ વાંગા રેડ્ડીએ કર્યું છે, જેણે ફિલ્મ 'કબીર સિંહ' અને 'અર્જુન રેડ્ડી'નું ડાયરેકશન પણ કર્યું હતું. તે બંને ફિલ્મોમાં હીરોને મારપીટ કરતો અને છોકરી પર હાથ ઉપાડતો પણ બતાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં લોકો સંદીપ વાંગાની ફિલ્મોમાં મર્દાનગી દર્શાવવા બદલ ટીકા કરી રહ્યા છે. ફિલ્મમેકર અનુરાગ કશ્યપે આ અંગે નિવેદન આપ્યું છે.
ફિલ્મમેકર્સને કઈ ફિલ્મો બનાવવી અને કઈ ન બનાવવી તે કહેવાનો કોઈને અધિકાર નથી - અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યુંમાં ફિલ્મના કન્ટેન્ટને લઈને વાત કરી હતી. તેણે કહ્યું કે, 'મેં હજી સુધી એનિમલ જોઈ નથી, હું હમણાં જ મારાકેચથી પાછો ફર્યો છું. પરંતુ ઓનલાઈન જે વાતો થઇ રહી છે તે મને ખબર છે. ફિલ્મમેકર્સને કઈ ફિલ્મો બનાવવી અને કઈ ન બનાવવી તે કહેવાનો કોઈને અધિકાર નથી. આ દેશમાં લોકો ફિલ્મોથી ઝડપથી ગુસ્સે થઈ જાય છે. તેઓ મારી ફિલ્મોથી પણ ગુસ્સે થાય છે. પરંતુ હું આશા રાખું છું કે શિક્ષિત લોકો આવી નાની વાત પર ગુસ્સે નહીં થાય.'
ભારતના 80% પુરુષો કબીર સિંહ જેવા છે - અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે વધુમાં કહ્યું હતું કે, 'આ પ્રકારની વાતો કબીર સિંહના સમયે પણ થઇ હતી. ફિલ્મમેકર્સને તેમની ઈચ્છાનુસાર કોઈપણ ફિલ્મ બનાવવાનો અને તેને બતાવવાનો પૂરેપૂરો અધિકાર છે. અમે તેમની ટીકા કરી શકીએ છે અને તેમનાથી અસહમત થઇ શકીએ છે. ફિલ્મો કાં તો તમને ઉશ્કેરે છે અથવા તમારી આંખો ખોલે છે. મને ફિલ્મમેકર્સ આવી ઉશ્કેરણીજનક ફિલ્મો બનાવે તેનાથી કોઈ વાંધો નથી.' અનુરાગ કશ્યપે કહ્યું કે ફિલ્મોમાં બતાવવામાં આવતી વસ્તુઓ પર આટલું રીએક્ટ ન કરવું જોઈએ. ફિલ્મો કોઈપણ વસ્તુ માટે જવાબદાર નથી. તેણે કહ્યું, 'આ સમાજમાં તમામ પ્રકારના પાત્રો અને લોકો છે, ભારતના 80% પુરુષો કબીર સિંહ જેવા છે.'
કબીર સિંહમાં અન્ય પાત્રોને મહત્વ આપવામાં આવ્યો ન હતો
અનુરાગ કશ્યપે કબીર સિંહને લઈને કહ્યું કે, 'તે ફિલ્મમાં સંપૂર્ણ રીતે કબીર સિંહ પર ધ્યાન આપવામાં આવ્યો હતો. બીજા અન્ય પાત્રોને આટલું મહત્વ આપવામાં આવ્યું ન હતું. અનુરાગ કશ્યપ મુજબ આ મુદ્દાઓ પર હેલ્થી ડિસ્કશન થવું જોઈએ. એકબીજાને કેન્સલ કરાવું યોગ્ય નથી.'