Get The App

અનુરાગ કશ્યપની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને સાઉથમાં જઈને કામ કરવાની જાહેરાત, જાણો શું છે કારણ

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
અનુરાગ કશ્યપની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને સાઉથમાં જઈને કામ કરવાની જાહેરાત, જાણો શું છે કારણ 1 - image
Image Twitter 

Anurag Kashyap Leave Hindi film Industry: લેખક, નિર્દેશક, નિર્માતા અને અભિનેતા એવા અનુરાગ કશ્યપનું નામ ફિલ્મીરસિયાઓ માટે અજાણ્યું નથી. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘દેવ ડી’ અને ‘ગુલાલ’ જેવી ઘણી કલ્ટ ફિલ્મો સાથે સંકળાયેલા અનુરાગ કશ્યપ હવે બોલિવૂડને અલવિદા કહી દેવાના મૂડમાં છે. બોલિવૂડની વર્તમાન સ્થિતિ પ્રત્યે નિરાશા વ્યક્ત કરીને તેમણે સર્જનાત્મક ઉત્તેજન માટે દક્ષિણ તરફ જવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે આટલા નિવડેલા સિને-કસબીએ કયા કારણસર આવું પગલું ભરવાની વાત કરી છે.

એક ઇન્ટરવ્યૂમાં બોલિવૂડની રીતરસમોની ટીકા કરતાં અનુરાગ કશ્યપે એકથી વધુ મુદ્દા રજૂ કરીને દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આગેકૂચ કરવાની ઈચ્છા જતાવી છે. 

આ પણ વાંચો: અમારા કરતાં હિમાચલની ગ્રામ્ય કન્યાઓ વધુ બ્યૂટીફૂલ : કંગના

નફા અને માર્જિનમાં ખોવાઈ ગયો ફિલ્મ મેકિંગનો આનંદ

અનુરાગે કહ્યું હતું કે, ‘હિન્દી ફિલ્મ ઉદ્યોગના નફા અને માર્જિનમાં ખોવાઈ ગયો છે. ફિલ્મ બનવાની શરૂ થાય એ પહેલા જ એને કઈ રીતે વેચવી, ક્યાં વેચવી, એમાંથી કેટલો નફો થશે, એનું ગણિત માંડવાનું શરૂ કરી દેવાય છે. વાર્તામાં જરૂર ન હોય તોય ફિલ્મને કમર્શિયલ બનાવવા માટે એમાં જાતજાતના ગતકડાં કરાય છે, બિનજરૂરી ગીતો અને ફાઇટ ઊમેરાય છે. આમાં પછી કથાનો હાર્દ જ મરી જાય.’ 

બોલિવૂડ સિક્વલ અને રિમેકના રવાડે ચઢી ગયું છે

‘સત્યા’ના લેખકે કહ્યું હતું કે, ‘બોલિવૂડમાં કોઈએ નવું સર્જન કરવાની જહેમત નથી લેવી. ક્યાં તો જૂની હિટ ફિલ્મોની સિક્વલ બનાવશે અથવા તો સાઉથની સફળ ફિલ્મોની રિમેક બનાવશે. મલયાલમ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ જેવી નવીન અને પ્રાયોગિક કથાઓ ધરાવતી ફિલ્મો અહીં કોઈએ બનાવવી નથી, પણ એવી ફિલ્મો સફળ થતાં જ એની રિમેકના હકો મેળવવા માટે બોલિવૂડના નિર્માતાઓ વચ્ચે સ્પર્ધા જામે છે. અહીં બધાંને રૂપિયા છાપી લેવા છે. બધાંને બોક્સઓફિસની પડી છે, કોઈએ સર્જનાત્મક જોખમ નથી લેવું, ચીલો ચાતરીને નવું નથી કરવું.’ 

સ્ટાર સિસ્ટમ પર કર્યા પ્રહાર

ફિલ્મ સ્ટાર્સને આડેહાથે લેતાં અનુરાગે બળાપો ઠાલવ્યો હતો કે, ‘હવે કોઈને એક્ટર નથી બનવું, બધાને સ્ટાર બની જવું છે. એય રાતોરાત, ઝાઝી મહેનત કર્યા વિના. નવા આવેલા કલાકારોને પણ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા મળતા હવામાં ઊડવા લાગે છે. બધા પોતાની અલગ વેનિટી વાનની માંગ કરવા લાગે છે. 

આપ્યું ‘ગેંગ્સ ઓફ વાસેપુર’નું ઉદાહરણ

વેનિટી વાન વિશે બોલતી વખતે અનુરાગે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’નું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, ‘અમે ગેંગ્સ ઓફ વાસેપુરનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સેટ પર એક જ વાન હાજર રહેતી. બધાં તેનો વારાફરતી ઉપયોગ કરતા.’ 

ટેલેન્ટ એજન્સીઓની પણ ધૂળ કાઢી

ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઇડ રાજુ’ના નિર્માતા અનુરાગ કશ્યપે બોલિવૂડમાં કાર્યરત ટેલેન્ટ એજન્સીઓની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, ‘ટેલેન્ટ એજન્સીઓનું કામ હોય છે એક્ટર્સ અને ફિલ્મ મેકર્સ વચ્ચેની કડી બનવાનું, એને બદલે આ એજન્સીઓ દીવાલ બની બેઠી છે. એજન્સીઓને નવી પ્રતીભાઓ ખોજવામાં કોઈ રસ નથી હોતો, તેમને રસ હોય છે નવા કલાકારોની ફીમાંથી મળતા કમિશનમાં. તેઓ કલાકારોને અભિનય વર્કશોપમાં મોકલવાને બદલે જીમમાં જઈને બોડી બનાવવાની સલાહ આપે છે. આવી એજન્સીઓ કલાકારોની ગરજનો ગેરલાભ લે છે, તેમનું શોષણ જ કરે છે.’ 

ઓટીટી પ્લેટફોર્મના પણ કાઢ્યા વાંક

અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, ‘હાલ એટલી બધી માત્રામાં ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા છે કે દરેક જણ પાસે હદથી વધારે કામ આવી ગયું છે. બધા પ્લેટફોર્મને માર્કેટમાં છવાઈ જવું છે. દર બીજા-ત્રીજા દિવસે બધાંએ નવું નવું કન્ટેન્ટ રજૂ કરવું છે. આમ ક્વોન્ટિટી આપવાની લાયમાં ક્વોલિટી સાથે સમાધાન કરવામાં આવે છે.’

મલયાલમ સિનેમાના મોંફાટ વખાણ કર્યા

અનુરાગ કશ્યપે હાલમાં જ એક મલયાલમ એક્શન થ્રિલર ફિલ્મ ‘રાઇફલ ક્લબ’માં કામ કર્યું હતું, જે 19 ડિસેમ્બર, 2024 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે જણાવતા એમણે કહ્યું હતું કે, ‘મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવું વિચારીને ફિલ્મ નથી બનાવતું કે આપણે બ્લોકબસ્ટર ફિલ્મ બનાવવાની છે. તેઓ ફિલ્મો બનાવે છે કારણ કે તેમને ફિલ્મ બનાવવું ગમે છે. તેઓ પૂરા પેશનથી ફિલ્મો બનાવે છે, માટે જ કંઈક નવીન બનાવી શકે છે.’

અભિનેતાઓને પણ બિરદાવ્યા 

મલયાલમ અભિનેતાઓને બિરદાવતા અનુરાગે કહ્યું હતું કે, ‘મલયાલમ સિનેમામાં દરેક કલાકાર એકબીજાને સારું કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યાં કોઈ મહાન બની જવાના ધ્યેય સાથે કામ નથી કરતું. સેટ પર ખૂબ જ મજાનું વાતાવરણ હોય છે. મલયાલમ સિનેમામાં કામ કરવું મારા માટે તાજગીભર્યો અનુભવ હતો.’ 

આ પણ વાંચો: દિગ્ગજ સિંગર આશા ભોંસલેએ ગાયુ 'તૌબા તૌબા', કરણ ઔજલા ખુદ સાંભળીને શોક થઈ ગયો!

સર્જનાત્મક સંતોષ નથી મળતો

ફિલ્મને સફળ બનાવવા માટે વાર્તાતત્વ સાથે જે કંઈ છેડછાડ કરવામાં આવે છે એના લીધે ફિલ્મ બનાવવાની મજા મરી જાય છે. સર્જનાત્મક સંતોષ નથી મળતો. ઉપરાંત ફિલ્મસ્ટાર્સના નખરાં ઉઠાવવામાં અને માંગ પૂરી કરવામાં ફિલ્મ ઓવર બજેટ થઈ જતી હોય છે, જેને લીધે ફિલ્મના મેકિંગ પર અવળી અસર પડતી હોય છે. આ બધાં કારણસર અનુરાગ કશ્યપે હવે દક્ષિણ ભણી નજર દોડાવી છે.

નવા વર્ષમાં છોડી દઈશ મુંબઈ

અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, ‘હું આવતા વર્ષે મુંબઈથી બહાર જવા ઈચ્છું છું. હું દક્ષિણમાં જઈશ જ્યાં મને ફિલ્મ બનાવવા માટેનું જોમ મળે. અહીં રહીશ તો હું અકાળે વૃદ્ધ થઈને મરી જઈશ. હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખૂબ નિરાશ અને નારાજ છું. અહીંના લોકોની માનસિકતાથી મને ઘૃણા થઈ ગઈ છે.’ 


Google NewsGoogle News