બોલીવૂડ છોડી સાઉથમાં ફિલ્મો બનાવવાની અનુરાગ કશ્યપની જાહેરાત
- બોલીવૂડથી મને નફરત થઈ ગઈ છે
- અહીં સૌ નફા નુકસાનનું જ વિચારે છે, ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓએ અહિત કર્યું
મુંબઈ : ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે બોલીવૂડ છોડી સાઉથમાં ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે મને બોલીવૂડથી નફરત થઈ છે. અહીં માત્ર રીમેક જ બને છે. સૌ ફક્ત નફા નુકસાનનું જ વિચારે છે.
અનુરાગે ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ પર દોષનો ટોપલો ઢોળતાં કહ્યું હતું કે આ એજન્સીઓએ બોલીવૂડનું વાતાવરણ ખરાબ કરી દીધું છે. જે કલાકારની ફિલ્મ સફળ જાય તેને તેઓ કરારબદ્ધ કરી લે છે અને તેને કામ અપાવી પૈસા કમાય છે. તેઓ તેને એક્ટિંગ વર્કશોપ નહિ પણ જિમમાં જવાની સલાહ આપે છે. એ જ કલાકારની ફિલ્મ નિષ્ફળ જાય તો આ એજન્સીઓ તેને પડતો મૂકે છે. એજન્સીઓએ પ્રતિભા પર પૈસા લગાવવાનું જોખમ ખેડવું જોઈએ પરંતુ તેવું કોઈ કરતું નથી.
તેણે કહ્યું હતું કે આજની ઈન્ડસ્ટ્રીથી હું બહુ દુઃખી છું. અહીં લોકો ફિલ્મ બનાવતાં પહેલાં તેમાંથી કેવી રીતે આવક થશે તે વિચારે છે. આથી ફિલ્મ બનાવવાનો આનંદ જ ખતમ થઈ ગયો છે. 'મંજુમલ બોયઝ' જેવી ફિલ્મો બોલીવૂડમાં નહિ બને પરંતુ તેની રીમેક સો ટકા બની જશે. જો હું અહીં રહી જઈશ તો બુઢ્ઢો થઈ જઈશ અને ખતમ થઈ જઈશ એટલે મારે અહીં કામ નથી કરવું.