અનુપમ ખેર રવિન્દ્ર નાથ ટાગોરની ભૂમિકા ભજવશે
- આ અનુપમ ખેરની 538મી ફિલ્મ હશે
- પીઢ અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લૂક શેર કરતાં લોકોએ પ્રશંસા કરી
મુંબઈ: પીઢ અભિનેત અનુપમ ખેર હવે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિકામાં જોવા મળશે. તેમણે પોતાનો રવિન્દ્રનાથ ટાગોર તરીકેનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કરતાં લોકોએ તેમની બહુ પ્રશંસા કરી હતી.
અનુપમ ખેરના જણાવ્યા અનુસાર આ તેની ૫૩૮મી ફિલ્મ હશે. જોકે, તેણે ફિલ્મનાં નામ, સર્જકો કે બીજી કોઈ વિગતો હજુ જાહેર કરી નથી. અનુપમ ખેરે ચાહકોને આશ્વાસન આપ્યું છે કે પોતે ટૂંક સમયમાં વધુ વિગતો પ્રગટ કરશે.
આ ફિલ્મ કોણ બનાવી રહ્યું છે અને તે કોઈ ઐતિહાસિક ઘટનાક્રમ આધારિત ફિલ્મ હશે અને તેમાં રવિન્દ્રનાથ ટાગોરનું પાત્ર હશે કે પછી આ રવિન્દ્રનાથ ટાગોરની બાયોપિક જ હશે તે વિશે અટકળો થઈ રહી છે. આ ફિલ્મ થિયેટરમાં રીલીઝ થશે કે પછી આ કોઈ ઓટીટી પ્રોજેક્ટ છે તે વિશે પણ અટકળો થઈ રહી છે. સંખ્યાબંધ ચાહકોએ અનુપમના રવિન્દ્ર નાથ ટાગોર તરીકેના લૂકને વધાવી લીધો છે. કેટલાય લોકોએ સ્વીકાર્યું છે કે અનુપમ આ ગેટઅપમાં હૂબહૂ રવિન્દ્રનાથ ટાગોર લાગે છે. કેટલાક ચાહકોએ લખ્યું છે કે અનુપમ ખેરને આ ભૂમિકા મળી એ બહુ સારું થયું છે. હાલના સમયમાં ગુરૂદેવને તેમનાથી બહેતર ન્યાય કોઈ આપી શકે તેમ નથી.
અનુપમ ખેરની આગામી ફિલ્મોમાં 'વેક્સિન વોર , 'ઈમરજન્સી' તથા 'મેટ્રો ઈન દિનોં'નો સમાવેશ થાય છે.