અનુપમ ખેર 69 વર્ષે ફરી ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવશે
- તન્વી ધી ગ્રેટ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી
- ૨૨ વર્ષ પહેલાં ઓમ જય જગદીશ નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું
મુંબઇ: અનુપમ ખેર ૨૨ વર્ષ પછી ફરી ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવી રહ્યો છે. તેણે પોતાના જન્મદિવસે 'તન્વી ધી ગ્રેટ' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
અનુપમના દાવા અનુસાર તે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. હવે મહાશિવરાત્રિના દિવસથી ફિલ્મનું શૂટિંગ શરુ કરવાનું નક્કી કર્યું છે.
અનુપમ ખેરે આ અગાઉ ૨૦૦૨માં 'ઓમ જય જગદીશ' નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. તેમાં અનિલ કપૂર, અભિષેક બચ્ચન તથા ફરદીન ખાન જેવા કલાકારોએ કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બહુ સાધારણ કક્ષાની બની હતી અને ટિકિટ બારી પર પણ ખાસ ચાલી ન હતી. આ ફિલ્મના અનુભવમાં પસ્તાયા પછી આટલાં વર્ષો સુધી અનુપમ ખેરે કોઈ ફિલ્મનું દિગ્દર્શન કરવાની હિંમત કરી ન હતી.