અનુપમ ખેરે 'ધ કાશ્મીર ફાઈલ્સ' ની ટીકા કરવા બદલ પ્રકાશ રાજ પર નિશાન સાધ્યુ
મુંબઈ, તા. 18 ફેબ્રુઆરી 2023 શનિવાર
ગયા વર્ષે તાબડતોડ કમાણી કરનાર બ્લોકબસ્ટર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મની રિલીઝ પહેલા શરૂ થયેલા વિવાદ હજુ સુધી શાંત થવાનું નામ લઈ રહ્યા નથી. કાશ્મીરી હિંદુઓના પલાયન અને તેમની સાથે થયેલી દુ:ખદાયક ઘટનાઓની કહાની પડદા પર લાવનારી કાશ્મીર ફાઈલ્સને લઈને દેશ બે જૂથમાં વહેંચાઈ ગયો હતો. જોકે હજુ પણ આ મુદ્દે આરોપ પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં જ અનુપમ ખેરે પ્રકાશ રાજને ધ કાશ્મીર ફાઈલ્સને બકવાસ ફિલ્મ કહેવા બદલ જડબાતોડ જવાબ આપ્યો છે.
પ્રકાશ રાજ પર અનુપમ ખેરનો રોષ
અભિનેતા અનુપમ ખેર જેમણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તેમણે તાજેતરમાં જ ફિલ્મ વિશે અભિનેતા પ્રકાશ રાજની ટીકા પર આકરો જવાબ આપ્યો છે. અનુપમ ખેરે કહ્યુ કે તેઓ હંમેશા ઈમાનદારીમાં વિશ્વાસ રાખે છે અને બીજા લોકો જે ઈચ્છે તેની પર વિશ્વાસ કરે શકે છે.
ઉલ્લેખનીય છેકે પ્રકાશ રાજે કેરળ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ધ કાશ્મીર ફાઈલ્સ પર કમેન્ટ કરી હતી. અનુપમ ખેરે કહ્યુ, અમુક લોકોને આખુ જીવન ખોટુ બોલવુ પડે છે. કેટલાક લોકો આખુ જીવન સત્ય બોલે છે. હુ તે લોકોમાંથી છુ જે આખુ જીવન સત્ય બોલીને જીવે છે, જેને ખોટુ બોલીને જીવવુ છે તે તેની મરજી છે.