ColdPlay કોન્સર્ટ અમદાવાદમાં યોજાશે? મુંબઈ પછી ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’માં શૉની અફવા
Coldplay Concert at Narendra Modi Stadium Rumors: બ્રિટિશ રોક બેન્ડ ‘કોલ્ડપ્લે’ ભારત આવી રહ્યું છે. મુંબઈમાં એના ત્રણ શો થવાના છે. 22 સપ્ટેમ્બરે શરૂ થયેલું ટિકિટોનું વેચાણ ગણતરીની મિનિટોમાં જ બંધ થઈ ગયું હતું. ત્રણે શો ફટાફટ સોલ્ડ આઉટ થઈ ગયા. ભારતમાં કોઈપણ કાર્યક્રમ માટે ટિકિટોના સૌથી ઝડપથી થયેલ વેચાણનો રેકોર્ડ કોલ્ડપ્લેની કોન્સર્ટે બનાવ્યો છે. ટિકિટ ન મળવાથી કોલ્ડપ્લેના કરોડો ચાહકો નિરાશ થયા છે, એવામાં અફવા ઊડી છે કે કોલ્ડપ્લેનો એક શો અમદાવાદમાં ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ ખાતે થવાનો છે. ચાલો જાણીએ કે આ વાતમાં ખરેખર દમ છે કે પછી એ ફક્ત અફવા જ છે.
કઈ રીતે ઊડી અફવા?
કોલ્ડપ્લેના અમદાવાદની સંભવિત કોન્સર્ટની અફવા ઊડી રહી છે એના પાછળનું કારણ સાવ પોકળ નથી. 16 સપ્ટેમ્બરના રોજ કોલ્ડપ્લેના ભારતીય ‘એક્સ’ એકાઉન્ટ ‘કોલ્ડપ્લે ઇન્ડિયા’ પરથી એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં પ્રશ્ન પૂછાયો હતો કે, ‘શું આપણે મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ કરીને સૌથી મોટી સ્ટેડિયમ કોન્સર્ટનો વિશ્વ રેકોર્ડ બનાવી શકીએ? મૂન મ્યુઝિક ટૂર એના માટે એકદમ યોગ્ય રહેશે.’
અંદાજિત આ તારીખે યોજાઈ શકે છે અમદાવાદમાં શો
પોસ્ટ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ચાર ફોટોગ્રાફ પણ મૂકવામાં આવ્યા હતા. પોસ્ટ પર લોકોએ જાતભાતની કમેન્ટ્સ કરી છે, જેમાં મોટાભાગનાએ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ બદલ ઉત્સાહનો સૂર વ્યક્ત કર્યો છે. પોસ્ટને પગલે ચર્ચા ચાલી છે કે મુંબઈમાં શો પતાવ્યા પછી 25 જાન્યુઆરી, 2025 ના રોજ અમદાવાદમાં શો યોજાવાની શક્યતા છે.
અફવાબજારને પરિણામે હોટલોના ભાડામાં વધારો
અફવાને પરિણામે દેશભરના ચાહકો ઉત્સાહમાં આવી ગયા છે, જેમને મુંબઈના શોની ટિકિટ નથી મળી એ તો ખાસ. એને કારણે અમદાવાદમાં હોટલના ભાડામાં રાતોરાત વધારો થઈ ગયો છે. એને લીધે પણ આ અફવા સાચી હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો: કરણ જોહર પર કેમ ગુસ્સે ભરાઈ ઝોયા અખ્તર, અભિનેતાઓને અપાતી ફીઝ મામલે આ સલાહ
મુંબઈ શોની તારીખો
કોલ્ડપ્લે જાન્યુઆરી 2025માં મુંબઈમાં પર્ફોર્મ કરશે. બેન્ડે 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 21 જાન્યુઆરીએ નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે ત્રણ કોન્સર્ટનું આયોજન કર્યું છે. મૂળ તો ફક્ત બે જ શો થવાના હતા, પણ ચાહકોના અભૂતપૂર્વ ધસારાને ધ્યાનમાં લેતાં છેલ્લી ઘડીએ 21 જાન્યુઆરીની ત્રીજી કોન્સર્ટ ઉમેરવામાં આવી છે. ટિકિટોની કિંમત 2,000 થી 35,000 રૂપિયા સુધીની રાખવામાં આવી છે.
કોણ છે કોલ્ડપ્લે?
કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જેની શરૂઆત લંડનમાં 1997 માં થઈ હતી. આ બેન્ડમાં ક્રિસ માર્ટિન(ગાયક અને પિયાનોવાદક), જોની બકલેન્ડ(ગિટારવાદક), ગાય બેરીમેન(બાસવાદક) અને વિલ ચેમ્પિયન(ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ)નો સમાવેશ થાય છે.
મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર
કોલ્ડપ્લે ‘મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ’ નામની વર્લ્ડ ટૂર લઈને વિશ્વભ્રમણ પર નીકળ્યું છે અને એના અનુસંધાનમાં જાન્યુઆરી 2025માં ભારત આવે છે. ગ્રેમી એવોર્ડ વિજેતા કોલ્ડપ્લે બીજીવાર ભારત આવી રહ્યું છે. આઠ વર્ષ અગાઉ 2016માં તેમણે ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલના ભાગરૂપે મુંબઈમાં પર્ફોર્મ કર્યું હતું.
કોલ્ડપ્લેની કોન્સર્ટ જો અમદાવાદમાં યોજાશે તો સંગીતશોખીન શહેરીજનો માટે એ અનુભવ અવિસ્મરણીય બની રહેશે. ક્રિકેટ વિશ્વકપ પછી ફરી એકવાર શહેરની ઈકોનોમિમાં ઉછાળો આવશે, એ ફાયદો પણ ખરો.