અંકિતા લોખંડેએ સ્ટુડન્ટ ઓફ ધી યર -3ની ઓફર ફગાવી
- વેબ સીરિઝ બનવાની હોવાથી ના પાડી
- રીમા માયા આ વેબ સીરીઝ બનાવી રહી હોવાનં કરણ જોહરે થોડા સમય પહેલાં કન્ફર્મ કર્યુ હતું
મુંબઇ : અંકિતા લોખંડેએ 'સ્ટુડન્ડ ઓફ ધી યર થ્રી'ની ઓફર નકારી કાઢી છે. અગાઉ આ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મો બન્યા બાદ ત્રીજી વાર હવે ફિલ્મ નહીં પણ વેબ સીરીઝ બની રહી હોવાના મુદ્દે તેણે આ ઓફર નકારી હોવાનું કહેવાય છે.
અંકિતાની ગણતરી ટોચની ટીવી એક્ટ્રેસમાં થાય છે પરંતુ તેને ફિલ્મોમાં ખાસ સફળતા મળી નથી. કંગના રણૌતની 'મણિકર્ણિકા' ઉપરાંત રણદીપ હુડાની 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' જેવા પ્રોજેક્ટસમાં તે કામ કરી ચૂકી છે.
આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મથી આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન લોન્ચ થયા હતા. બીજા ભાગથી તારા સુતરિયા અને અનન્યા પાંડેને બ્રેક મળ્યો હતો. જોકે, પહેલા ભાગ જેટલી સફળતા ફિલ્મને મળી ન હતી.
થોડા સમય પહેલાં જ કરણ જોહરે આ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ ફિલ્મ તરીકે નહીં પણ વેબ સીરીઝ તરીકે આવશે એવી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેણે જાહેર કર્યું હતું કે દિગ્દર્શક રીમા માયા આ સીરીઝ બનાવી રહી છે.