બોક્સ ઓફિસ પર 'ANIMAL'એ તોડ્યો 'PATHAAN'નો રેકોર્ડ, રણબીર કપુરની ફિલ્મે રિલીઝના બીજા દિવસે 100 કરોડનો આંકડો કર્યો પાર
Image Source: Twitter
- ફિલ્મ 'એનિમલ'એ હિન્દી સિનેમાના ઈતિહાસમાં બીજા દિવસની કમાણીનો સૌથી મોટો રેકોર્ડ બનાવી દીધો
મુંબઈ, તા. 03 ડિસેમ્બર 2023, રવિવાર
રણબીર કપૂર સ્ટાર ફિલ્મ 'ANIMAL' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.લાંબા સમયથી બ્લોકબસ્ટર ફિલ્મની રાહ જોઈ રહેલા દેશના યુવા દર્શકોને હવે લાગે છે કે તેમને તેમની પસંદગીની ફિલ્મ મળી ગઈ છે. OTT પ્લેટફોર્મ પર છુપાઈ છુપાઈને એડલ્ટ ફિલ્મો અને સિરીઝ જોતા યુવાનો ફિલ્મ 'એનિમલ' જોવા માટે ગ્રુપમાં ઉમટી રહ્યા છે. આ ફિલ્મ સાડા ત્રણ કલાકની છે તેથી સિનેમાઘરોમાં તેના શો આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'પઠાણ', 'ગદર 2' અને 'જવાન' કરતાં ઓછા છે તેમ છતાં ફિલ્મ 'એનિમલ'એ હિન્દી સિનેમાના ઈતિહાસમાં બીજા દિવસની કમાણીનો સૌથી મોટો રેકોર્ડ બનાવી દીધો છે. આ મામલે ફિલ્મ 'એનિમલ' એ હિન્દી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન'ને પાછળ છોડી દીધી છે.
'એનિમલ'એ પ્રથમ દિવસે 63.80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને બોક્સ ઓફિસ પર ફિલ્મ 'પઠાણ'ની પ્રથમ દિવસની કમાણીનો રેકોર્ડ લાંબા માર્જિનથી તોડી નાખ્યો હતો.
શનિવારની મોડી રાત સુધીના ટ્રેન્ડ પ્રમાણે ફિલ્મ 'એનિમલ' એ રિલીઝના બીજા દિવસે પહેલા દિવસની સરખામણીમાં વધુ કમાણી કરી છે. કોઈ પણ હિન્દી ફિલ્મની રિલીઝના બીજા દિવસની કમાણીનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ ફિલ્મ જવાનના નામે છે જે 53.23 કરોડ રૂપિયા છે. ત્યારે હવે ફિલ્મ 'એનિમલ'એ રિલીઝના બીજા દિવસે અત્યાર સુધી મળેલા આંકડા પ્રમાણે 66 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ ફિલ્મ 'એનિમલ' ની પ્રથમ બે દિવસની કુલ કમાણી 129.80 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે 63.80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ જવાનની રિલીઝના પ્રથમ બે દિવસની કમાણી 128.23 કરોડ રૂપિયા હતી.