રણબીર કપૂરની 'ANIMAL'એ બનાવ્યો નવો રેકોર્ડ, શાહરૂખની 'PATHAAN'ને છોડી પાછળ
નવી મુંબઇ,તા. 1 જાન્યુઆરી 2024, સોમવાર
વાત-વિવાદ-ચર્ચા પર અંતે રણબીર કપૂરની એનિમલે પૂર્ણવિરામ મુક્યું છે. સ્ક્રીનપ્લેને કારણે અનેક લોકોની ટીકાનો સામનો કરનાર રણબીર કપૂરની ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ સમાચારોમાં અને અનેક વિવાદોમાં સપડાઈ હતી. એનિમલમાં રણબીર ઉપરાંત સંદીપ રેડ્ડી વાંગા, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ છે. આ ફિલ્મે હવે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
નવા વર્ષની શરૂઆત સાથે જ એનિમલે બોક્સ ઓફિસ નવો રેકોર્ડ સ્થાપ્યો છે. શરૂઆતથી જ અનેક આયામો સર કરી આવતી રણબીર કપૂરની ફિલ્મે વધુ એક માઈલ સ્ટોન હાંસલ કર્યું છે. આ ફિલ્મે શાહરૂખ ખાનની પઠાણને પછાડી દીધી છે અને 2023ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
પઠાણનું કુલ ઈન્ડિયા કલેક્શન આશરે રૂ. 543.05 કરોડ આસપાસ હતું. એનિમલે 31 દિવસમાં જ પઠાણને પાછળ છોડી દીધું છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સૈકનિલ્કના જણાવ્યા અનુસાર હાલમાં એનિમલનું કુલ કલેક્શન રૂ. 544.93 કરોડે પહોંચ્યું છે. આ ફિલ્મ 1 ડિસેમ્બર 2023ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
OTT રીલિઝ ક્યારે ?
એનિમલ માટે ચોક્કસ OTT રીલિઝની તારીખ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી પરંતુ ફિલ્મો ઘણીવાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તેમના થિયેટરમાં રિલીઝ થયાના 45થી 60 દિવસ બાદ નાના પડદે આવે છે. આશા છે કે આ મૂવી પણ ફેબ્રુઆરી આસપાસ OTT પર જોવા મળી શકે છે.
આ ફિલ્મના વર્લ્ડ વાઇલ્ડ કલેક્શનની જો વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધી 880 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર એ-રેટેડ ભારતીય ફિલ્મ બની ગઇ છે. એડલ્ટ રેટિંગ (એ-રેટિંગ) હોવા છતાં અને ત્રણ કલાકથી વધુ લાંબી હોવા છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.
સંદીપ રેડ્ડી વાંગાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ફિલ્મને મળેલ સક્સેસ બદલ દર્શકોનો આભાર માની રહ્યાં છે. તેણે એનિમલમાં રણબીર કપૂરના પાત્રનું એક પોસ્ટર શેર કરતા કેપ્શનમાં "હેપ્પી ન્યૂ યર" લખ્યું છે.