15 કરોડની ફીની માંગ ન સ્વીકારાતાં અનિલ કપૂરે હાઉસફૂલ ફાઈવ છોડી
- અનિલ-નાનાની જોડી ફરી જોવા નહીં મળે
- જોકે, ફિલ્મ છોડવા માટે અનિલ કપૂરે પોતે આલિયાની ફિલ્મ માટે ડેટ્સ ફાળવ્યાનું બહાનું કાઢ્યું
મુંબઇ : ૧૫ કરોડની ફીની માંગ નહિ સંતોષાતાં અનિલ કપૂરે 'હાઉસફૂલ ફાઈવ' ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે. જોકે, અનિલ કપૂરે એવું બહાનું બતાવ્યું છે કે પોતે આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ભૂમિકાઓ ધરાવતી યશરાજ બેનરની સ્પાય ફિલ્મ માટે તારીખો આપી ચૂક્યો છે. આથી, તે આ ફિલ્મ માટે તારીખો આપી શકે તેમ નથી. બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર અનિલ કપૂરને છેલ્લે 'એનિમલ' ફિલ્મ માટે ૧૫ કરોડ મળ્યા હતા. અનિલે 'હાઉસફૂલ ફાઈવ' માટે પણ આટલી જ રકમ માગી હતી. પરંતુ, આ ફિલ્મમાં કલાકારોનો શંભુમેળો હોવાથી નિર્માતા સાજિદ નડિયાદવાળાએ અનિલની માગણી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. 'હાઉસફૂલ ફાઈવ'માં અક્ષય કુમાર સહિતના કલાકારો છે. અગાઉ અનિલ કપૂર અને નાના પાટેકરની જોડીની કોમેડી લોકોને પસંદ આવી હતી પરંતુ હવે આ ફિલ્મ પૂરતી એ જોડી રિપિટ નહીં થાય.
સૂત્રોએ જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે 'હાઉસફૂલ ફાઈવ' અને યશરાજની સ્પાય ફિલ્મ બંનેની શૂટિંગની તારીખો લગભગ એક જ સમયગાળામાં છે. પરંતુ, બંને ફિલ્મોમાં અનિલ કપૂરની મુખ્ય ભૂમિકા નથી. આથી, અનિલે ધાર્યું હોત તો તે બંને ફિલ્મો માટે કોઈ રીતે તારીખો મેનેજ કરી શકે તેમ હતો.