અનન્યાનો કઝિન અહાન પણ ફિલ્મોમાં : નેટ યૂઝર્સ દ્વારા ઝાટકણી
- નવી ફિલ્મ જાહેર થતાં જ ટ્રોલ થયો
- બોલીવૂડવાળા સ્ટારકિડ્ઝ માટે ફિલ્મો બનાવે છે કે દર્શકો માટે તેવો સવાલ
મુંબઇ : અનન્યા પાંડેનો પિતરાઇ ભાઇ અહાન પાંડે બોલીવૂડમાં યશરાજ ફિલ્મસની રોમેન્ટિક ડ્રામા 'સૈયારા' ફિલ્મથી ડેબ્યુ કરશે. આ ફિલ્મ આગામી ૧૮ જુલાઇના રોજ રીલિઝ કરવાની જાહેરાત થઈ છે. જોકે, આ જાહેરાત થતાં જ નેટયૂઝર્સ ભારે નારાજ થયા છે. બોલીવૂડવાલા સ્ટારકિડ્ઝને લોન્ચ કરવા જ ફિલ્મો બનાવે છે કે પછી સામાન્ય દર્શકો માટે તેવી ઝાટકણી લોકો કાઢી રહ્યા છે.
ફિલ્મ સૈયારાનું દિગ્દર્શન મોહિત સુરીનું છે. અહાનની હિરોઈન તરીકે 'સલામ વેંકી' ફિલ્મમાં કામ કરી ચૂકેલી અનિતા પડ્ડાને સિલેક્ટ કરાઈ છે. તે અગાઉ પૂજા ભટ્ટ અને ઝોયા હુસેૈન સાથે 'બિગ ગર્લસ ડોન્ટ ક્રાઇ'માં પણ કામ કરી ચૂકી છે.
જોકે, આ જાહેરાત થતાં જ ઈન્ટરનેટ પર તેની આકરી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. લોકોએ લખ્યું હતું કે ઈબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર સહિતના સ્ટારકિડઝ ફેઈલ ગયા છે. ખુદ અનન્યા પણ કેરિયરમાં હજુ સુધી કાંઈ ઉકાળી શકી નથી. છતાં પણ આ લોકોને તક મળ્યા કરે છે જ્યારે અને પ્રતિભાશાળી લોકો વર્ષો સુધી સંઘર્ષ જ કરતા રહી જાય છે. કેટલાંક વર્ષોથી ફિલ્મો ચાલતી નથી તેનું આ સૌથી મોટું કારણ છે.