જાણીતી અભિનેત્રીનું ટ્રોલિંગ કરાતાં માતાનું દર્દ છલકાયું, કહ્યું - 'વિચાર્યા વિના કરાતી ટ્રોલિંગ...'
Ananya Panday: અનન્યા પાંડે બોલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. સ્ટાર કિડ હોવાને કારણે તેને ઘણી વખત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. અનન્યાએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જેમાં ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પછી અભિનેત્રીએ ઘણી ફિલ્મો કરી છે. તાજેતરમાં અનન્યાની માતા ભાવના પાંડેએ અભિનેત્રીના ટ્રોલ થવા પર પોતે કેવું અનુભવે છે એ બાબતે વાત કરી હતી.
અભિનેત્રીનું ટ્રોલિંગ થતા માતા દુ:ખી
એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અભિનેત્રીની માતા ભાવના પાંડેને પૂછવામાં આવ્યું કે, જયારે અનન્યાને લોકો તેની ફિલ્મો અને ફેશન બાબતે ટ્રોલ કરે છે ત્યારે તમે એક માતા તરીકે શું અનુભવો છો? ત્યારે અનન્યાની માતાએ જવાબ આપ્યો કે, ' મારા માટે આ ખૂબ જ મુશ્કેલ છે અને આ બાબતે હું ખૂબ જ દુઃખ અનુભવું છું.' આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'રચનાત્મક ટિપ્પણીઓ વધુ સારી છે કારણ કે તે દરેકને સુધારવામાં મદદ કરે છે, પરંતુ બિનજરૂરી ટીકા સારી નથી.'
અનન્યા આલોચનાને ફીડબેક માને છે
મીડિયા સાથેની જૂની વાતચીતમાં અનન્યા પાંડેએ કહ્યું હતું કે, ' જો મને અમુક ખાસ અનુભવો ન થયા હોત તો હું ચોક્કસ સારું પરફોર્મ ન કરી શકી હોત. આથી જે કઈ પણ થયું તેને હું આભારી છું. આ કારણથી જ મને મારા કામ દ્વારા પોતાને વ્યક્ત કરવાની તક મળી છે. કેટલીક ટીકાઓ ખરેખર મદદરૂપ અને મહત્વપૂર્ણ ફીડબેક છે.'
અનન્યા પાંડેનું વર્ક ફ્રન્ટ
અભિનેત્રી છેલ્લે ઓટીટી પર ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનન્યાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. તેમજ અભિનેત્રી 'કોલ મી બે'માં જોવા મળશે. જે 6 સપ્ટેમ્બર, 2024ના રોજ ઓટીટી પર સ્ટ્રીમ થવાનું છે.