અમિતાભ બચ્ચનના જમાઈ પર આપઘાત માટે ઉશ્કેરણીનો આરોપ, FIR નોંધાઈ: જાણો શું છે મામલો
Case Against Nikhil Nanda: ઉત્તર પ્રદેશના બદાયૂમાં કોર્ટના આદેશ પર, કોતવાલી દાતાગંજમાં અમિતાભ બચ્ચનના જમાઈ અને એસ્કોર્ટ કુબોટા લિમિટેડના સીઈઓ નિખિલ નંદા સહિત 9 લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં FIR નોંધવામાં આવી છે. FIR મુજબ ટ્રેક્ટર કંપનીના યુપી હેડ, એરિયા મેનેજર, સેલ્સ મેનેજર અને શાહજહાંપુરના ડીલર સહિત 9 લોકો વિરુદ્ધ કેસ નોંધાવામાં આવ્યો છે.
આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં ફસાયા નિખિલ નંદા
એડિશનલ સિવિલ જજ જુનિયર ડિવિઝન દાતાગંજની કોર્ટના આદેશ પર નિખિલ અને તેની કંપનીના લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઓછા વેચાણને કારણે ધાકધમકી અને લાયસન્સ રદ કરવાની ધમકીના કારણે વેપારીએ આત્મહત્યા કરી હોવાનો આરોપ છે. કંપનીના માલિક અને અધિકારીઓની સતત ધાકધમકીથી માનસિક રીતે પરેશાન ટ્રેક્ટર એજન્સીના ડીલર જિતેન્દ્ર સિંહે 22 નવેમ્બર 2024ના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
જિતેન્દ્ર સિંહના ભાઈ જ્ઞાનેન્દ્ર સિંહના એડવોકેટ વીરપાલ કશ્યપે જણાવ્યું હતું કે કંપનીના માલિક અને અધિકારીઓની ધમકીને કારણે જિતેન્દ્રએ 22 નવેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. જિતેન્દ્ર ફાર્મા ટ્રક ટ્રેક્ટર એજન્સી દાતાગંજનો પ્રથમ ભાગીદાર હતો. આત્મહત્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું પરંતુ કોઈ એફઆઈઆર નોંધી ન હતી. ત્યારબાદ મૃતકના ભાઈ જ્ઞાનેન્દ્ર સિંહે એડિશનલ સિવિલ જજ જુનિયર ડિવિઝન સમૃદ્ધિ મિશ્રાની કોર્ટમાં અરજી કરી હતી. કંપની માલિક સહિત 9 લોકો સામે ગુનો દાખલ કરવા અપીલ કરવામાં આવી હતી.
'નિખિલ નંદાએ મારા ભાઈ પર દબાણ કર્યું...'
મૃતકના ભાઈ જ્ઞાનેન્દ્ર સિંહનું કહેવું છે કે મારા ભાઈ જિતેન્દ્રના ઘણા પૈસા ગ્રાહકો પાસે ફસાયેલા હતા. બીજી તરફ નિખિલ નંદા તેની કંપનીમાંથી લોકોને મોકલતો હતો અને એજન્સીનું વેચાણ વધારવા માટે મારા ભાઈ પર વારંવાર દબાણ કરતો હતો. એજન્સીનું લાયસન્સ રદ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. જેના કારણે મારા ભાઈએ આત્મહત્યા કરી લીધી.
જિતેન્દ્રના ભાઈએ વધુમાં કહ્યું કે, 'મારા ભાઈએ ઘણી વાર તેની પત્ની, પિતા, પરિવાર અને શુભચિંતકોને ઘરમાં કહ્યું કે કંપની દ્વારા મને ખૂબ હેરાન કરવામાં આવે છે.'
દાતાગંજ કોતવાલીના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ગૌરવ બિશ્નોઈએ જણાવ્યું કે, 22 નવેમ્બરે ટ્રેક્ટર એજન્સીના માલિક જિતેન્દ્ર સિંહે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જેનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે મૃતકના ભાઈ જ્ઞાનેન્દ્ર સિંહે એડિશનલ સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટમાં કેસ નોંધવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: રાજામૌલીની ફિલ્મોમાં લૉજિક ક્યાં હોય છે? કરણ જોહરે સ્ટોરીટેલિંગ પર આપ્યું મોટું નિવેદન
જેના પર એડિશનલ સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટે આશિષ બાલિયાન (એરિયા મેનેજર), સુમિત રાઘવ (સેલ્સ મેનેજર), દિનેશ પંત (હેડ બરેલી), પંકજ (ફાઇનાન્સર કલેક્શન), અમિત પંત (સેલ્સ મેનેજર), નીરજ મેહરા (સેલ્સ હેડ), નિખિલ નંદા (COM), શિશાંત ગુપ્તા (ડીલર શાહજહાંપુર: તેમજ અન્ય એક અજ્ઞાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તેમણે કહ્યું કે, કોર્ટના નિર્દેશોને અનુસરીને, દાતાગંજ કોતવાલીમાં ઉપરોક્ત 9 લોકો વિરુદ્ધ BNS (આત્મહત્યાને ઉશ્કેરવા અને પ્રેરિત) ની કલમ 108 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
કોણ છે નિખિલ નંદા?
નિખિલ નંદા શોમેન રાજ કપૂરની પુત્રી રિતુ નંદાનો પુત્ર છે. નંદા પરિવારનો કપૂર પરિવાર સાથે જૂનો સંબંધ છે. નિખિલે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા. નિખિલની કંપની કૃષિ, બાંધકામ, રેલવે સાધનો અને મશીનરીમાં નિષ્ણાત છે.