Maha Kumbh 2025: અમિતાભ બચ્ચન સંગમમાં લગાવશે ડૂબકી, પરિવાર પણ રહેશે હાજર
Maha Kumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલા સનાતન ધર્મના સૌથી મોટા મહાપર્વ માહાકુંભ મેળામાં ફિલ્મી સિતારાનો મેળો લાગશે. પ્રયાગરાજની ધરતીથી નીકળીને વેશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવનારા 'બિગ બી'ના નામથી પ્રખ્યાત અમિતાભ બચ્ચન પણ સંગમમાં ડૂબકી લગાવશે. આ અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચન પ્રયાગરાજમાં કમલા નેહરુ માર્ગ પર પ્રસ્તાવિત હરિવંશરાય બચ્ચન વિદ્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં પણ સામેલ થશે.
પ્રયાગરાજ સંગમમાં ડૂબકી લગાવશે
જ્યારે તેઓ પ્રયાગરાજ સંગમમાં ડૂબકી લગાવવા જશે ત્યારે જ શાળાના ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવાની ચર્ચા છે. હરિવંશ રાય બચ્ચન સ્કૂલનું નિર્માણ કેપી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમિતાભ બચ્ચનના પિતા અને અલ્હાબાદ યુનિવર્સિટીના પૂર્વ પ્રવક્તા, કવિ ડૉ. હરિવંશ રાય બચ્ચનની સ્મૃતિમાં તેમના નામથી એક ઈંગ્લિશ મીડિયમ ઈન્ટર કોલેજનું નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે. તેનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે.
ટ્રસ્ટ દ્વારા આમંત્રણ
ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થવા માટે અમિતાભ બચ્ચનને કેપી ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. સુશીલ સિંહે આમંત્રણ આપ્યું છે. ટ્રસ્ટના પ્રવક્તા પવન શ્રીવાસ્તવે કહ્યું કે, તેમણે કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફોન પર ડૉ. સુશીલ સિંહને સંમતિ આપી છે. તેમની સાથે પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધુ એશ્વર્યા રાય સહિત પરિવારના અન્ય સદસ્યો પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. આ સાથે જ તેઓ સંગમમાં મહાકુંભ દરમિયાન ડૂબકી પણ લગાવી શકે છે.
કુંભમેળા 2025માં હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મ સ્ટાર્સનો મેળાવડો
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ 2025ની શરૂઆત થઈ રહી છે. આ ઐતિહાસિક અને ભવ્ય આયોજનમાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર પવિત્ર સ્નાન કરશે. દર વખતની જેમ આ વખતે પણ મહાકુંભ તેની આધ્યાત્મિકતા અને વિશાળતાને લઈને ચર્ચામાં છે. કુંભમેળા 2025માં હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મ સ્ટાર્સનો મેળાવડો થશે.
લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે બોલિવૂડ અને ટીવી દુનિયાના સ્ટાર્સ પણ સંગમમાં સ્નાન કરવા પહોંચશે. તેમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, શંકર મહાદેવ અને રાખી સાવંત જેવા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. તેમના રોકાવા માટે સ્પેશિયલ ટેન્ટ લગાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.