અમિતાભ બચ્ચને ટ્રાફિકથી બચવા બાઈક પર લિફ્ટ લીધી
- માર્ગો પર બેફામ ડ્રાઇવિંગ જોઈને પરેશાન
- ટ્રાફિક શિસ્ત વિશે ભાષણ આપ્યું તો લોકોએ તેમણે જ હેલ્મેટ કાયદાનો ભંગ કર્યાનું જણાવ્યું
મુંબઇ : અમિતાભ બચ્ચને શૂટિંગ માટે સમયસર પહોંચવા તેમને તેેમના એક પ્રશંસકની બાઈક પર લિફ્ટ લેવી પડી હતી.તેમણે સોશિયલ મીડિયા પર આ બાઈક સવારીની તસવીરો શેર કરી હતી. જોકે, બાદમાં ટ્રાફિક શિસ્ત વિશે ભાષણ આપવા જતાં તેઓ ફસાયા હતા કારણ કે તેમણે કે બાઈક ચાલકે કોઈએ ખુદ હેલ્મેટ નહિ પહેરી હોવા તરફ લોકોએ ધ્યાન દોર્યું હતું.
અમિતાભે પોતાને લિફ્ટ આપનાર અજાણ્યા ચાહકનો આભાર માન્યો હતો.
બાદમાં તેમણે એક લાંબી બ્લોગ પોસ્ટ લખીને જણાવ્યું હતું કે લોકો રસ્તા પર બેફામ હંકારે છે, આ લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ કેવી રીતે મળી ગયાં તે નવાઈ છે. તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી. આ લોકોનાં વાહન અટકાવી નીચે ઉતારી ટ્રાફિક નિયમો વિશે જણાવવું જોઈએ.
જોકે, આ બ્લોગ લખ્યા બાદ સંખ્યાબંધ લોકોએ તેમને કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે નિયમ અનુસાર બાઈક ચાલક તથા તેની પાછળ બેસનાર બંનેએ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. પરંતુ, તમારા બેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેરી નથી.