અમિતાભ બચ્ચન શરૂ કરશે ડિજિટલ એસેટ બિઝનેસની ઈનિંગ, નવેમ્બરમાં પોતાનું NFT કલેક્શન કરશે લોન્ચ
- તેઓ આ કલેક્શન Rhiti એન્ટરટેઈનમેન્ટ અને નો કોડ એનએફટી એક્સચેન્જ પ્લેટફોર્મ GuardianLinkની ભાગીદારીમાં લોન્ચ કરશે
નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર, 2021, બુધવાર
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે ડિજિટલ એસેટ કારોબારમાં ઉતરવાની તૈયારીમાં છે. અમિતાભ બચ્ચન નવેમ્બર મહિનામાં પોતાનું NFT (non-fungible tokens) લોન્ચ કરવા જઈ રહ્યા છે. તેઓ આ ડિજિટલ એસેટના કારોબારમાં ઉતરનારા પહેલા અભિનેતા હશે. સમગ્ર વિશ્વમાં હાલ આશરે 2.5 અબજ ડોલરના NFTનું વેચાણ થઈ ચુક્યું છે.
શું હોય છે NFT
NFT હકીકતમાં ક્રિપ્ટો કરન્સી જેવી ડિજિટલ એસેટ હોય છે જેનું વેચાણ ઓનલાઈન જ કરવામાં આવે છે. તેમાં કલા, સંગીત, વીડિયો, ગેમ વગેરેનો ડિજિટલ વેપાર થાય છે. તેમાં ક્રિપ્ટો જેવા બ્લોકચેન સોફ્ટવેરનો જ ઉપયોગ કરવામાં આવે છે. NFTનું વેચાણ કરવા પર રાશિ પણ ક્રિપ્ટો કરન્સીના સ્વરૂપમાં જ મળે છે.
અમિતાભ બચ્ચન જે NFTને લોન્ચ કરવા જઈ રહ્યા છે તેમાં તેમના સાથે જોડાવા માટે લિમિટેડ આર્ટવર્કનું યુનિક કલેક્શન હશે. તેમાં તેમના હસ્તાક્ષરવાળા શોલેના પોસ્ટર, તેમણે વાંચી હતી તે 'મધુશાલા' કવિતા અને અન્ય કેટલીય યુનિક વસ્તુઓ સામેલ હશે.
બચ્ચને શું કહ્યું
તેઓ આ કલેક્શન Rhiti એન્ટરટેઈનમેન્ટ અને નો કોડ એનએફટી એક્સચેન્જ પ્લેટફોર્મ GuardianLinkની ભાગીદારીમાં લોન્ચ કરશે. બચ્ચને પોતે આ પાર્ટનરશિપ અંગે વાત કરતા કહ્યું કે, 'મેં Rhiti એન્ટરટેઈનમેઈન્ટ સિંગાપુર જોઈન કર્યું છે અને હું ટૂંક સમયમાં જ આ પ્લેટફોર્મ પર NFT લોન્ચ કરીશ.'
નવેમ્બર મહિનાથી આ પ્લેટફોર્મ પર ડિજિટલ એસેટનું વેચાણ શરૂ થશે. આ એસેટની ખરીદી માટે BeyondLife.Club પર લોગઈન કરવું પડશે. તેમાં એસેટનું કાયદેસર ઓક્શન કરવામાં આવશે. બાદમાં તમે તમારા પાસે રહેલી એસેટનું આ પ્લેટફોર્મ પર વેચાણ પણ કરી શકશો. પેમેન્ટ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વડે થઈ શકશે.