Photo : 'બોલો સિયા પતિ રામચંદ્ર કી જય...', અમિતાભ બચ્ચને શેર કરી રામલલાના દર્શનની તસવીર
નવી મુંબઇ,તા. 23 જાન્યુઆરી 2024, મંગળવાર
22મી જાન્યુઆરીનો દિવસ માત્ર રામભકતો જ નહીં પણ દરેક ભારતીય માટે ઐતિહાસિક, અભૂતપૂર્વ અને અવિસ્મરણીય હતો, કારણ કે 500 વર્ષોની પ્રતિક્ષાનો અંત આવ્યો હતો અને ભગવાન રામ ગર્ભ ગૃહમાં બિરાજમાન થયા હતાં. ગઈકાલે આખો દેશ રામના નારાથી ગુંજી રહ્યો હતો.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં અનેક રાજકારણીઓ, ઉદ્યોગપતિ અને સેલેબ્સે હાજરી આપી હતી. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પુત્ર અભિષેક બચ્ચન સાથે આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા માટે અયોધ્યા પહોંચ્યા હતા અને રામલલાના દર્શન કર્યા હતા.
બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ પોતાના જીવનની નાની મોટી ઘટનાઓ અંગેની માહિતી ફેન્સ સાથે શેર કરતા હોય છે. બિગ બીએ હવે પોતાના ઑફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી રામ લલ્લાના ફોટો પોસ્ટ કર્યા છે.
બિગ બીએ પોસ્ટ કરેલા ફોટોમાં તે ગર્ભ ગૃહમાં ઊભા રહીને રામ લલ્લાના દર્શન કરતાં જોવા મળી રહ્યા છે. ફોટાની કેપ્શનમાં બિગ બીએ લખ્યું કે, બોલ સિયા પતિ રામચંદ્ર કી જય…. દિવ્ય ભાવનાની પ્રાસંગિકતાથી ભરપૂર દિવસ… આજે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાથી પાછો ફર્યો … મહિમા ઉત્સવ અને વિશ્વાસની આસ્થા. આનાથી વધારે કંઈ જ કહી શકાય એમ નથી, કારણ કે આસ્થાનું કોઈ વર્ણન નથી હોતું.
મહત્વનું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બિગ બીને મળ્યા હતા અને તેમની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અન્ય બાબતો ઉપરાંત વડાપ્રધાને અમિતાભના હાથ વિશે પૂછ્યું હતુ. વાસ્તવમાં, અમિતાભના હાથની તાજેતરમાં સર્જરી કરવામાં આવી છે. તેમની વાતચીતનો એક વીડિયો વાયરલ થયો છે.
મંદિરમાં પૂજા કર્યા બાદ બિગ બીએ ટીવીના રામ અરૂણ ગોવિલ તેમ જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
મહત્વનું છેકે, મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે, મંદિરના ઘણા ફોટો પણ વાયરલ થઇ રહ્યાં છે. અયોધ્યામાં આ ખાસ અવસર પર અમિતાભ અને અભિષેક સિવાય રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, વિકી કૌશલ અને કંગના રનૌત સહિત ઘણા સ્ટાર્સે ભવ્ય મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી.