અમિતાભ બચ્ચને પોતાની ઊંટ પર બેસેલી જૂની તસવીર શેર કરી લખ્યુ રમૂજી કેપ્શન
મુંબઈ, તા. 07 ફેબ્રુઆરી 2023 મંગળવાર
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક એક્ટર્સ એવા છે જે ઉંમરને માત આપીને હજુ પણ કામ કરી રહ્યા છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનનું નામ સૌથી પહેલા સામેલ છે. બિગ બીની ઉંમર 80 વર્ષથી વધુની છે પરંતુ મનોરંજનની દુનિયા સાથે તેમનો લગાવ હજુ પણ અકબંધ છે. તેમની પાસે હજુ પણ ઘણા પ્રોજેક્ટ્સ છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને તાજેતરમાં જ જેસલમેરની પોતાની એક જૂની તસવીર શેર કરી છે, જેમાં તેઓ ઊંટ પર બેસેલા જોવા મળી રહ્યા છે. બિગ બી એ સોશિયલ એકાઉન્ટ પર પોતાની ઊંટ પર બેસેલી તસવીર શેર કરી છે. આ ફોટો સાથે તેમણે રમૂજી કેપ્શન પણ લખ્યુ છે.
બીજી ફિલ્મની તસવીર
અમિતાભની આ ફોટો તેમની બીજી ફિલ્મ 'રેશમા ઔર શેરા' ના શૂટિંગ સમયની છે. આ ફોટો પોચીના વિસ્તારની છે. જે પાકિસ્તાનની બોર્ડર નજીક છે. ફોટોમાં અમિતાભ ફિલ્મના લુકમાં અને ઊંટ પર બેસેલા જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે લખ્યુ, 1969માં જ્યારે હુ ફિલ્મો જોઈન કરવા આવ્યો હતો તો લોકો મને ઊંટ કહીને બોલાવતા હતા. મે વિચાર્યુ હુ લોકોને સાચા ઠેરવીશ અને ઊંટની સવારી કરી. આ ફોટો રણના ખૂબ અંદરના પોચીના વિસ્તારનો છે જ્યાં મારી ફિલ્મ રેશમા ઔર શેરાનું શૂટિંગ થયુ હતુ. હવે નસીબજોગ લોકો મને આ રીતે બોલાવતા નથી કેમ કે આ ટાઈટલ અન્ય લોકોએ લઈ લીધુ છે.
ઉલ્લેખનીય છે કે રેશમા અને શેરા વર્ષ 1971માં આવી હતી. ફિલ્મમાં વહીદા રેહમાને રેશમા અને સુનીલ દત્તે શેરાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ફિલ્મમાં અમિતાભ, વિનોદ ખન્ના, રાખી, રણજીત, જયંત, અમરીશ પુરી વગેરે કલાકાર સામેલ હતા. ફિલ્મને સુનીલ દત્તે જ ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં બાળ કલાકાર તરીકે સંજય દત્ત પણ જોવા મળ્યા હતા. અમિતાભ ફિલ્મમાં 'છોટુ'ની ભૂમિકામાં હતા.