Get The App

સાઉથની ફિલ્મો સાથે બોલિવૂડની તુલના અયોગ્ય, તેઓ જૂની ફિલ્મોની રિમેક બનાવે છે: અમિતાભ બચ્ચન

બિગ બીએ ફિલ્મોમાં મોરલ બેલેન્સ પર ઉઠેલા સવાલ પર પણ વાત કરી

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
સાઉથની ફિલ્મો સાથે બોલિવૂડની તુલના અયોગ્ય, તેઓ જૂની ફિલ્મોની રિમેક બનાવે છે: અમિતાભ બચ્ચન 1 - image


મુંબઈ, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર

ભારતીય સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને હવે બોલિવૂડ VS દક્ષિણ ભારતીય ફિલ્મોની ચર્ચા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. એક ઈવેન્ટમાં પહોંચેલા બિગ બીએ કહ્યું કે, ઘણાં રીજનલ ફિલ્મમેકર્સે મને કહ્યું છે કે દક્ષિણ ભારતમાં જૂની હિટ ફિલ્મોની રિમેક વધુ બને છે. 

અમિતાભ બચ્ચન પોતાની પત્ની અભિનેત્રી જયા બચ્ચન સાથે પૂણેમાં સિમ્બાયોસિસ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને સવાલ કરાયો હતો કે ‘ફિલ્મો પર લોકોની નૈતિકતા અને વર્તન બદલવાનો આરોપ લગાવવો યોગ્ય છે કે અયોગ્ય?’ તેના જવાબમાં બિગ બીએ કહ્યું કે ‘ફિલ્મો વાસ્તવિક જીવનથી જ પ્રેરિત હોય છે.’

મલયાલમ અને તેલુગુ ફિલ્મોની પ્રશંસા પણ કરી 

અમિતાભ બચ્ચને તેમના ભાષણમાં મલયાલમ અને તેલુગુ સિનેમાના પ્રશંસા પણ કરી. જો કે તેમણે કહ્યું કે ‘હિન્દી સિનેમા સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોની તુલના કરવી યોગ્ય નથી. રીજનલ સિનેમા ખૂબ સારું કામ કરી રહ્યું છે પરંતુ જ્યારે અમે તેમની સાથે વાત કરીએ છીએ ત્યારે તેઓ કહે છે કે તેઓ પણ એવી જ ફિલ્મો બનાવી રહ્યા છે જેવી અમે હિન્દીમાં બનાવીએ છીએ. તેઓ માત્ર ડ્રેસિંગ બદલી નાખે છે, જેનાથી ફિલ્મો સુંદર દેખાય છે. હું એવા ઘણાં લોકોને મળ્યો છું જે કહે છે કે, અમે તમારી જૂની ફિલ્મોની રિમેક બનાવી રહ્યા છીએ. દીવાર, શક્તિ અને શોલે જેવી ફિલ્મો ક્યાંક ને ક્યાંક તે સ્ટોરીઝમાં રહે છે.’

આ વિશે વધુ વાત કરતા બિગ બીએ કહ્યું કે ‘કોઈ એક ઈન્ડસ્ટ્રીને કહેવું કે, તેમની ફિલ્મો નથી ચાલી રહી એટલે તે બરાબર નથી, તે અયોગ્ય છે. કેટલીક તેલુગુ, મલયાલમ અને તમિલ ખૂબ જ ઓથેન્ટિક અને એસ્થેટિક હોય છે. કોઈ ચોક્કસ પ્રદેશ તરફ આંગળી ચીંધવી અને કહેવું કે, તેમની ફિલ્મો સારી ચાલી રહી છે અને અમારી સારી નથી ચાલી રહી તે યોગ્ય નથી.’

અમિતાભે ફિલ્મોમાં મોરલ બેલેન્સ પર પણ વાત કરી

બિગ બીએ ફિલ્મોમાં મોરલ બેલેન્સ અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘ઘણી વખત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ ટીકા કરવામાં આવે છે અને આરોપો લગાવાય છે કે તે દેશની નૈતિકતા અને લોકોના વર્તનને બદલવા માટે જવાબદાર છે. જયા પણ FTIIમાં અભ્યાસ કરી ચૂકી છે અને તે પણ એ વાત સાથે સંમત થશે કે, ફિલ્મોની વાર્તાઓ સમાજ અને રોજિંદા જીવનમાંથી મેળવેલા અનુભવોમાંથી બનાવવામાં આવે છે અને તે જ આપણી પ્રેરણા બને છે.’


Google NewsGoogle News