Amitabh Bachchan Birthday: વર્ષમાં બે વખત પોતાનો જન્મ દિવસ ઉજવે છે શહેનશાહ
Image Source: Instagram
- અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1969માં કરી હતી
- ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું
મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2023, બુધવાર
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે પોતાનો 81મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. બીગ બીને કોઈ સદીના મહાનાયક કહે છે તો કોઈ તેમને શહેનશાહ કહીને બોલાવે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાના ચાહકો માટે તસવીરો શેર કરતા રહે છે. બીગ બી આજે પોતાનો 81મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચન ઈન્ડસ્ટ્રીમાં લગભગ 5 દાયકાથી રાજ કરી રહ્યા છે.
બીગ બી એ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1969માં કરી
અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ હરિવંશ રાય બચ્ચન હતું જેઓ હિન્દી જગતના પ્રખ્યાત કવિ હતા. તેમની માતાનું નામ તેજી બચ્ચન હતું. અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1969માં કરી હતી અને ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અભિનેતા માટે અહીં સુધી પહોંચવું સરળ ન હોતું. પોતાની કારકિર્દીની શરૂઆતમાં બિગ બીને પોતાની હાઈટથી લઈને અવાજ માટે થઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેમણે હાર ન માની અને આજે તેમના ચાહકોની કોઈ કમી નથી.
શહેનશાહ વર્ષમાં બે વખત પોતાનો જન્મ દિવસ ઉજવે છે
અમિતાભ બચ્ચન પોતાનો જન્મદિવસ વર્ષમાં એક વખત નહીં પરંતુ બે વખત ઉજવે છે. જેનું એક વિશેષ કારણ છે. 11 ઓક્ટોબરે પ્રથમ જન્મદિવસ ઉજવે છે. તેમનો જન્મ આ દિવસે થયો હતો અને 2 ઓગસ્ટના રોજ તેઓ પોતાનો બીજો જન્મદિવસ ઉજવે છે. વર્ષ 1982માં આ દિવસે તેમનો બીજી વખત જન્મ થયો હતો. આ એ દિવસ હતો જે દિવસે તેઓ મોતના મુખમાંથી પાછા આવ્યા હતા. કારણ કે, ફિલ્મ 'કુલી'ના શૂટિંગ દરમિયાન બેંગલુરુમાં બિગ બી સાથે એવો અકસ્માત થયો હતો કે આ દરમિયાન તેમનો માંડ માંડ જીવ બચ્યો હતો. બેંગલુરુમાં 24 જુલાઈ, 1982ના રોજ ફિલ્મ 'કુલી'ના એક્શન સીન દરમિયાન, અમિતાભ બચ્ચનના પેટમાં ભૂલથી પુનીત ઈસ્સરનો મુક્કો લાગી ગયો હતો.
આ દરમિયાન બિગ બીની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર્સે તેમની મલ્ટીપલ સર્જરી કરી. આ સર્જરી બાદ તેને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ અમિતાભની તબિયતમાં કોઈ સુધારો ન થતા ડોક્ટરોએ તેમનું બીજું ઓપરેશન કરવું પડ્યું હતું. આ દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું હતું કે, બિગ બીની હાલત ખૂબ જ નાજુક છે. એટલું જ નહીં, ડોક્ટરોએ અમિતાભ બચ્ચનને મૃત પણ જાહેર કરી દીધા હતા. 2 ઓગસ્ટના રોજ તેમણે અચાનક અંગૂઠાથી મૂમેન્ટ આપી હતી. ત્યારબાદ ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો.
આ દરમિયાન તેમનો પરિવાર જ નહીં પણ તેમના ચાહકો પણ તેમના સ્વસ્થ થવા માટે દુઆ માંગી રહ્યા હતા. અમિતાભ બચ્ચનને 24 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.