રાજકુમાર સંતોષીની અમિતાભ, અક્ષય,અજય દેવગણ, તુષાર કપૂર અને ઐશ્વર્યાની ફિલ્મ ખાકીની સીકવલની તૈયારી
- જોકે આ વખતે મૂળ ફિલ્મની સંપૂર્ણ ટીમ સીકવલનો હિસ્સો નહી બને
મુંબઇ : ૨૦ વરસ પહેલા રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ખાકીની સીકવલ બનવાની તૈયારી થઇ રહી છે. રાજકુમાર સંતોષીના દિગ્દર્શન હેઠળ બનેલી આ કોપ એકશન ડ્રામા મુવીમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, ઐશ્વર્યા રાય બચ્ચન, અક્ષય કુમાર અને તુષાર કપૂરે મહત્વની ભૂમિકા ભજવી હતી.
સ્વ. નિર્માતા કેશુ રામસે એ ખાકી ફિલ્મનું નિર્માણ કર્યુ હતું. હવે તેમના પુત્ર-ફિલ્મસર્જક આર્યમાન રામસેએ એક મુલાકાતમાં ખાકીની સીકવલની પુષ્ટિ કરી છે.
સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, ખાકીની સીકવલની તૈયારી થઇરહી છે. સ્ક્રિપ્ટિંગ પર કામ ચાલી રહ્યું છે. અમારા મગજમાં એક બેસિક પ્લોટ છે. આવતા વરસે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે.
કાસ્ટિંગ બાબતે આર્યમને જણાવ્યું હતું કે, અક્ષય કુમારનું પાત્ર પહેલા જ પાર્ટમાં અવસાન પામતું હોવાથી તેને અમે સીકવલમાં દેખાડી શકીએ એમ નથી. અજય દેવગણ અને ઐશ્વર્યા રાયના પાત્રના પણ નિધન થતા દેખાડવામાં આવ્યા હતા. હવે જ્યારે અમારી પાસે પૂરી સ્ક્રિપ્ટ તૈયાર થઇને આવશે પછી જ હું અમિતજી સાથે વાતચીત કરીશ. તુષાર કપૂર પણ આ ફિલ્મનો હિસ્સો બને તેવી મારી ઇચ્છા છે. એમની સાથે અમે એક નવી કાસ્ટિંગ કરશું. મેં રાજ કુમાર સંતોષી સાથે વાતચીત ખાકીની સીકવલનું પણ દિગ્દર્શન કરવાની વિનંતી કરી છે.