અમિતાભ અને અભિષેકે મુંબઈમાં 25 કરોડના 10 ફલેટ ખરીદ્યા
- મુલુંડમાં થ્રી અને ફોર બીએચકેના ફલેટ ખરીદ્યા
- 2024નાં વર્ષમાં જ બાપ દીકરાએ રિયલ એસ્ટેટમાં 100 કરોડનું રોકાણ કર્યું
મુંબઇ : અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન છેલ્લા કેટલાય સમયથી પ્રોપર્ટીની ખરીદી કરી રહ્યા છે. બંને બાપ દીકરાએ મુલુંડ વિસ્તારની એક બિલ્ડિંગમાં આશરે પચ્ચીસેક કરોડના ૧૦ ફલેટ લીધા છે. અભિષેકે છ અને અમિતાભે ચાર ફલેટ લીધા છે
આમાંથી આઠ ફલેટ અ ૧૦૪૯ ચોરસ ફૂટના છે. જ્યારે બે ફલેટ ૯૧૨ ચોરસ ફૂટના છે. દરેક ફલેટ દીઠ તેમને બે કાર પાર્કિંગ મળશે.
અમિતાભ અને અભિષેકે થોડા સમય પહેલાં મુંબઈના બોરિવલી વિસ્તારમાં પણ ફલેટ્સ ખરીદ્યા હતા. આ ઉપરાંત અંધેરીમાં પણ કમર્શિઅલ અને રેસિડેન્શિલ પ્રોપર્ટીમાં તેમણે રોકાણ કર્યું હતું. બંને બાપ દીકરાએ ૨૦૨૪નાં વર્ષમાં અત્યાર સુધીમાં પ્રોપર્ટીમાં ૧૦૦ કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. જોકે, તેમાંથી અમિતાભે કેટલાય સોદા તો માત્ર જે તે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના બ્રાન્ડિંગ ખાતર જ કર્યા હોવાનું કહેવાય છે.
આમાનાં મોટાભાગના ફલેટ્સ તથા ઓફિસ તેઓ ભાડે આપી દે છે. અમિતાભ જુહુ વિસ્તારમાં જ પાંચેક બંગલા ધરાવે છે.
જેમાંથી એક બંગલામાં તે પરિવાર સાથે રહે છે અને અન્ય બંગલામાં પોતાની ઓફિસ ચલાવે છે. પ્રતીક્ષા બંગલો હવે માત્ર પારિવારિક ફંકશન્સ કે નિરાંતની પળો માણવા માટે જ વપરાય છે. અન્ય બંગલાની બહુ મોટી જગ્યા તેણે બેન્કને ભાડે આપી દીધી છે.