અમીષા પટેલનો દાવો, ગદ્દર ટૂને ગટર થતાં મે અને સનીએ બચાવી
- મારે અને સનીએ ઘોસ્ટ ડિરેક્શન કરવું પડયું હતું
- અનિલ શર્માએ વેઠ ઉતારી હતી, અમે ઘણું બધું રિશૂટિંગ અને એડિટિંગ કરાવ્યું
મુંબઇ: ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલે દાવો કર્યો છે કે ફિલ્મ સર્જક અનિલ શર્માએ 'ગદ્દર ટૂ'ના નિર્માણમાં ભારે વેઠ ઉતારી હતી. એ તો મેં અને સની દેઓલે ઘણુ બધુ રિશૂટ અને એડિટિંગ કરીને તથા લગભગ ઘોસ્ટ ડિરેક્શન કરીને ફિલ્મને ગટર બનતી બચાવી હતી.
અમિષાના દાવા અનુસાર અનિલ શર્માના ઈરાદા બહુ સારા ન હતા. તેઓ આ ફિલ્મને સાવ કચરો બનાવી દેવા માગતા હતા. પરંતુ, મેં અને સનીએ તેમાં ઘણા બધા સર્જનાત્મક ફેરફારો કરાવ્યા હતા.
તેના કહેવા મુજબ ફિલ્મ જે રીતે બની રહી હતી તેનાથી હું કે સની દેઓલ ખુશ ન હતાં. સેટ પર અમારે બંનેએ લગભગ ભૂતીયા દિગ્દર્શક જેમ વર્તવું પડયું, ઘણા બધા ક્રિએટિવ પડકારોનો સામનો કરવો પડયો. કેટલું બધું તો રિ શૂટ કરાવવું પડયું હતું.
અમિષાના દાવા અનુસાર ફિલ્મનાં કેટલાંય દૃશ્યો, ગીતો તથા તેની કોરિયોગ્રાફી પણ સની દેઓલના ક્રિએટિવ ઈનપૂટ પ્રમાણે તૈયાર કરાયાં હતાં.
ઉલ્લેખનીય છે કે 'ગદ્દર ટૂ' સફળ થઈ એ અરસામાં પણ અમિષા પટેલે અનિલ શર્મા માટે બહુ વિવાદાસ્પદ વિધાનો કર્યાં હતાં. તેણે આ ફિલ્મના સ્ટાફ તથા ક્રૂ મેમ્બર્સને સમયસર પેમેન્ટ નહિ ચૂકવાયું હોવાનું પણ જણાવ્યું હતું.