રામાયણની સાથે સાથે જ રણબીર લવ એન્ડ વોરનું શૂટિંગ શરુ કરી દેશે
- રામાયણને ગોડ પાવરનું કામચલાઉ ટાઈટલ અપાયું
- રામાયણનું શૂટિંગ બહુ લાંબુ ચાલે તેમ છે અને સંજય લીલા ભણશાળી વધુ રાહ જોવા તૈયાર નથી
મુંબઈ : રણબીર કપૂરે નિતેશ તિવારીની 'રામાયણ' ફિલ્મનું શૂટિંગ હાલ ચાલુ કરી દીધું છે. જોકે, શૂટિંગની સમાંતર જ તે સંજય લીલા ભણશાળીની 'લવ એન્ડ વોર'નુ શૂટિંગ પણ શરુ કરી દે તેવી સંભાવના છે.
'રામાયણ'નું શૂટિંગ હજુ તો શરુ થયું છે અને તે વધારે લાંબુ ચાલે તેમ છે. બીજી તરફ સંજય લીલા ભણશાળી રણબીર, આલિયા અને વિકી કૌશલનો પ્રણય ત્રિકોણ ધરાવતી 'લવ એન્ડ ગોડ'ના પ્રિ પ્રોડક્શનની તૈયારીઓ કરી ચૂક્યા છે. આથી, તેમણે રણબીરને વહેલી તકે તારીખો આપવા જણાવ્યું હતું. મોટાભાગે આગામી ઓગસ્ટમાં રણબીર સંજય લીલા ભણશાળીની આ ફિલ્મનું શૂટિંગ ચાલુ કરી દેવાનો છે. આ ફિલ્મ રાજ કપૂર અન ેવૈજયંતી માલાની ક્લાસિક ફિલ્મ 'સંગમ'ની રિમેક હોવાનું મનાઈ રહ્યું છે.
આલિયા ભટ્ટે યશરાજ ફિલ્મસની સ્પાય ફિલ્મનું પણ શૂટિંગ શરુ કરવાનું છે. આમ રણબીર અને આલિયા બંને આગામી મહિનાઓમાં એક સાથે બે બે મોટા પ્રોજેક્ટસમાં વ્યસ્ત રહેવાનાં છે.
દરમિયાન કેટલાક દાવા અનુસાર 'રામાયણ' ફિલ્મને હાલ 'ગોડ પાવર' એવું કામચલાઉ ટાઈટલ અપાયું છે. જોકે, આ ટાઈટલ બાદમાં બદલાઈ શકે છે.